13 May, 2024 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ જયશંકર અને શાયના એન. સી. - તસવીરો - શાદાબ ખાન
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે સોમવારે કહ્યું કે ચીન તરફથી પડકારોનો સામનો કરવા છતાં ભારતે તાજેતરના વર્ષોમાં લદ્દાખ સરહદ પર રેકોર્ડ સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે અને રવાના કર્યા છે. મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્લાઝા ખાતે આયોજિત કોન્ફરન્સ દરમિયાન મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ આ ટિપ્પણી કરી હતી.
નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્લાઝા, મુંબઈ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે ચીને જે રીતે લદ્દાખમાં જમીન પચાવી પાડી છે એ બાબતે આપણી શું વ્યૂહરચના છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "હા, ચીન તરફથી પડકારો ચોક્કસ છે, તેમણે કરારોનું ઉલ્લંઘન કર્યું છે અને મોટી સંખ્યામાં સૈનિકો સરહદ પર મોકલ્યા છે. જો કે, ભારતે એ હકીકત પર ગર્વ લેવો જોઈએ કે કોવિડ હોવા છતાં, આપણે સરહદ પર રેકોર્ડ સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે અને મોકલ્યા છે."
લદ્દાખમાં ચીનના જમીન પરના કબજા અંગે વાત કરતા એસ. જયશંકરે કહ્યું કે, `આ ઘટનાઓ નહેરુકાળ દરમિયાન બની છે. કોંગ્રેસ પક્ષ નહેરુ અને ભુટ્ટોએ કરેલી ભૂલો માટે મોદી સરકારને જવાબદારી ઠેરવે છે જે અયોગ્ય છે.` તેમણે વર્તમાન પરિસ્થિતિ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તે સમયે લેવામાં આવેલા પગલાંને જવાબદાર ગણાવ્યા હતા. વળી તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વખતમાં, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન જે રીતે ભારતે જવાબ વાળ્યો છે તે આપણા સૈન્યની શક્તિ દર્શાવે છે. કોંગ્રેસે આપણા સૈન્યની કામગીરીની વાત જે રીતે કરી છે તે અયોગ્ય છે. આ ઉપરાંત તેમણે પુલવામા હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ભારતીય સેનાની કામગીરી પર પ્રશ્ન ઉઠાવવા બદલ રેવન્ત રેડ્ડીની ટીકા કરી હતી.
ચૂંટણી ટાણે પ્રચારના આશયથી મુંબઈના મહેમાન બનેલા એસ. જયશંકરે યુએનએસસીમાં ભારતની બેઠક અને ભારતીય નૌકાદળના અધિકારીની મૃત્યુદંડને રદ કરવાના કતારના નિર્ણય અંગે પોતે શું માને છે તે પણ જણાવ્યું.
યુએનએસસીની કાયમી બેઠક અંગે સવાલ કરતાં એસ. જયશંકરે ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ગણતરીમાં લઇને દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ સરકારના સતત નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે આશા વ્યક્ત કરી કે આ સાતત્ય સંયુક્ત રાષ્ટ્ર સાથેની વાટાઘાટોને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તરફનો ઝૂકાવ હવે દેખાઇ રહ્યો છે તેમ પણ કહ્યું અને પહેલાં કરતા આ અંગેના વાટાઘાટ વધારે ગંભીર અને નક્કર બન્યા છે તેમ પણ કહ્યું છે.
કતારે કયા આશયથી નેવીના અધિકારીઓને મુક્ત કર્યા હશે તેવા સવાલના જવાબમાં એસ. જયશંકરે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, ભારતીય નૌકાદળના અધિકારીઓની મૃત્યુદંડને રદ કરવા બદલ કતાર સરકારનો આભાર માન્યો. તેમણે આ આખા ઑપરેશનમાં ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક ડિપ્લોમસીને સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવી, જો કે તેમણે કતારે જે નિર્ણય લીધો તે પાછળ તેમના મનમાં શું હશે તે કળવું મુશ્કેલ છે એમ પણ કહ્યું. કમનસીબે આ સમયે પણ વિપક્ષોએ આ કામ અંગે ટિકા ટિપ્પણીઓ જ કહી હતી.
તેમને જ્યારે ખાલિસ્તાન અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડા દ્વારા કરવામાં આવેલી ચોથી ધરપકડ અંગે સવાલ કરાયો ત્યારેવિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને એવો કોઇ મુદ્દો હજી નથી મળ્યો જેને કારણે તપાસ એજન્સીઓને ફોલો-અપ માટે કે પૂછપરછ માટે કામે લગાડી દેવી પડે. તેમણે ઉમેર્યું કે, "મને એ પણ ખ્યાલ નથી કે છેલ્લા કેટલાક દિવસોમાં આ મામલે કંઇ નોંધપાત્ર બદલાયું હોય." વધુમાં, જયશંકરે કહ્યું કે, "જો ઓટ્ટાવા પાસે ભારતમાં તપાસ માટે વોરંટ હોય અથવા તો આ મુદ્દાને લગતી હિંસાનું સંસોધન કરવું હોય તો તેમની નવી દિલ્હી તરફથી પુરો સહકાર મળશે."
તેમણે ભારત ઇરાન સાથે વ્યૂહાત્મક લોકેશન ધરાવનારા ચાબહાર પોર્ટ મેનેજમેન્ટના મામલે લાંબા ગાળાની ગોઠવણ અને સમજૂતીની અપેક્ષા રાખે છે એમ કહી ઉમેર્યું હતું કે આમ થશે તો જ પોર્ટમાં મોટા રોકાણકારો માટેનો માર્ગ સ્પષ્ટ થશે. તેમણે કહ્યું કે તેમના કેબિનેટ સાથી, શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ ઈરાનની યાત્રા પર છે.
તેમણે મોદીની ગેરંટી અંગે વાત કરી તો કેજરીવાલ અંગે સવાલ પુછાયો ત્યારે હસીને કહ્યું કે એ તો જીતવાના નથી તો પછી એ વાત જ શું કામ કરવાની. તેમણે ભારત કઇ રીતે વૈશ્વિક સ્તરે એક યોગ્ય સપ્લાયર, મેન્યુફેક્ચરર અને હ્યુમન રિસોર્સ પુરો પાડી શકે એ દિશામાં આગળ વધી રહ્યો છે તે મુદ્દા પર ભાર મૂક્યો અને મતદાતાઓને બે વિકલ્પમાંથી પસંદ કરવા કહ્યું કે એક વિકલ્પ છે મોદીનો સાથ જેમાં ઉજ્જળ ભવિષ્યની વાત છે તો બીજો વિકલ્પ છે જેમાં નેવુંના દાયકામાં પાછા જવાનો ઇરાદો છે. તેમણે સુરક્ષાથી માંડીને વિકાસ, ટેક્નોલોજી, એફટીએના સંકૂલ મુદ્દાઓ જેવા વિવિધ પાસાઓ પર વાત કરી હતી. પાકિસ્તાનના મુદ્દા અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોનો ભોગ બની રહ્યો છે.