દિવા-વસઈ વચ્ચે બે પૅસેન્જર ટ્રેન સવારના સમયે દોડાવવા રેલવે પ્રવાસીઓની માગ

14 April, 2023 10:22 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મોટી સંખ્યામાં ગુજરાતી વેપારી ને કર્મચારી વર્ગ આ માર્ગ પર પ્રવાસ કરતા હોય છે. સાંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદેને ૭૦૦ પ્રવાસીઓનું સાઇન કરેલું આવેદનપત્ર પ્રવાસીઓએ આપ્યું

દિવા-વસઈ રૂટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓને ટ્રેનની સુવિધા ન હોવાથી પીક-અવર્સના સમયે ટ્રેનો દોડાવવામાં આવે એવું ૭૦૦ પ્રવાસીઓની સહીવાળું આવેદનપત્ર સંસદસભ્ય શ્રીકાંત શિંદેને આપવામાં આવ્યું હતું

દિવા રેલવે સ્ટેશનથી સવારના આઠથી સાડાઆઠ અને નવથી સાડાનવ વાગ્યા દરમિયાન પ્રવાસીઓને અવરજવરમાં થતી હેરાનગતિને દૂર કરવા માટે બે પૅસેન્જર ટ્રેન દોડાવવામાં આવે એવી રેલવે પ્રવાસીઓ દ્વારા માગણી કરવામાં આવી છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં કચ્છી, જૈન અને ગુજરાતી વેપારીઓ અને કર્મચારીઓ પ્રવાસ કરતા હોય છે એથી તેમના દ્વારા સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેને ૭૦૦ પ્રવાસીઓની સહી કરેલું આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.

દિવા-વસઈ લાઇન પર રેલવે સર્વિસ વધારવાની અનેક વખત વાતો કરાય છે, પરંતુ એનો અમલ થતો નથી. કર્જત, કસારા, થાણે, ડોમ્બિવલી, કલ્યાણ વિસ્તારોથી માંડીને વસઈ, દહાણુ, વિરાર વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ, વેપારીઓ, મજૂરો અને કામદારો કામ પર જાય છે. આ નોકરિયાત વર્ગે સવારના સમયે વસઈ જવા માટે દિવા, કોપર, પનવેલ રેલવે સ્ટેશનથી ઑફિસના સમય દરમિયાન કોઈ પૅસેન્જર ટ્રેન ન હોવાથી દાદરથી જવું પડે છે. પ્રવાસીઓની આ મુશ્કેલીને દૂર કરવા માટે આ રેલવેલાઇન પર નિયમિત મુસાફરી કરતા ૭૦૦થી વધુ મુસાફરોએ માગણી કરી છે કે દિવા રેલવે સ્ટેશન પરથી સવારના ૮થી ૮.૩૦ અને ૯થી ૯.૩૦ દરમિયાન બે પૅસેન્જર ટ્રેન વસઈ માટે છોડવામાં આવે જેથી મુસાફરો આ ડાઇવર્ઝનને ટાળી શકે.

ડૉ. શ્રીકાંત શિંદેએ મુસાફરોના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રેલવેના અધિકારીઓ સાથે વાત કરશે અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવાનો પ્રયાસ કરશે. ડોમ્બિવલીથી સવારે ૫.૫૩ વાગ્યે વસઈ જવા ટ્રેન છે અને ત્યાર બાદ સવારે ૧૦.૧૫ વાગ્યે પૅસેન્જર ટ્રેન છે. આ ચાર કલાક દરમિયાન દિવા અને પનવેલથી વસઈ સુધી મુસાફરી કરવા કોઈ પૅસેન્જર ટ્રેન ન હોવાથી અપર કોપર રેલવે સ્ટેશન પર ૧૦.૧૫ વાગ્યાની ટ્રેન પકડવા મુસાફરોની ભીડ જોવા મળે છે. ભીડને કારણે મુસાફરોને પૅસેન્જર ટ્રેનમાં ચડવા મળતું નથી. વળી પૅસેન્જર ટ્રેનના દરવાજા સાંકડા હોવાથી મુસાફરોએ આવતી-જતી વખતે ધક્કા ખાવા પડે છે. એમાં મહિલા પ્રવાસીઓની હાલત સૌથી વધુ ખરાબ થાય છે.

કેટલાક મુસાફરો દાદર થઈને તેમના કામના સ્થળે જાય છે. કેટલાક મુસાફરો કલ્યાણથી બસ દ્વારા ભિવંડી જાય છે. ત્યાંથી રિક્ષાની મુસાફરી મોંઘી હોવાથી ઘણા મુસાફરોને એ પોસાતી નથી. એથી મોટા ભાગના મુસાફરો અપર કોપર રેલવે સ્ટેશનથી સવારના ૧૦.૧૫ વાગ્યાની પૅસેન્જર ટ્રેન પર આધાર રાખે છે. આ પૅસેન્જર ટ્રેન ઘણી વખત મોડી આવે છે એટલે કર્મચારીઓ સમયસર ઑફિસ પહોંચી શકતા નથી. ડૉ. શ્રીકાંત શિંદેના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે જો સાંજે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમિયાન વસઈ-દિવા પૅસેન્જરનું આયોજન કરવામાં આવે તો કામ પરથી પાછા આવતા મુસાફરો સમયસર ઘરે પહોંચી શકશે.

ભાઈંદરમાં સ્ટીલનું કારખાનું ધરાવતા કાંતિભાઈ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વસઈ, બોઇસર, ભાઈંદર બાજુએ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર ખૂબ મોટો હોવાથી મોટી સંખ્યામાં વેપારીઓ અને કર્મચારીઓ પ્રવાસ કરીને કલ્યાણ, ડોમ્બિવલી વગેરે ભાગમાંથી આવતા હોય છે. જોકે અહીં ડાયરેક્ટ જવા ખૂબ મર્યાદિત ટ્રેન-સર્વિસ છે. સવારે ૫.૫૩ વાગ્યાની એક પૅસેન્જર ટ્રેન ડોમ્બિવલીથી બોઇસરની છે જે વાયા ભિવંડીથી વસઈ જાય છે. જોકે આ ટ્રેન ખૂબ જ વહેલી હોવાથી એ પકડી શકાતી નથી. ત્યાર બાદ સીધી સવારની ૧૦.૧૫ વાગ્યાની અપર કોપરથી ટ્રેન છે જેમાં કલ્યાણ, ભિવંડી, ડોમ્બિવલી એવાં અનેક સ્ટેશનોના વેપારીઓ અને કર્મચારીઓ જતા હોય છે. જો અમે આ ટ્રેનથી જઈએ તો કામ પર ૧૧.૩૦થી ૧૨ વાગ્યા સુધીમાં પહોંચીએ છીએ અને થોડા વખત બાદ લન્ચનો ટાઇમ થઈ જતો હોય છે. એમાં આ ટ્રેન એકેય દિવસ સમયસર હોતી નથી. એથી અનેક કામદારોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. એથી નાછૂટકે લોકો દાદરથી વસઈ આ‍વતા હોય છે જેમાં અઢીથી ત્રણ કલાક વેડફાઈ જાય છે. બોઇસર, પાલઘર બાજુ જનારા લોકોને પણ આ ટ્રેન મોડી પહોંચાડતી હોવાથી તેઓ વેસ્ટર્નની તેમની ફિક્સ ટ્રેન ચૂકી જતા હોય છે. આ સમસ્યા ખૂબ જ મોટી છે અને હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે એથી જલદી એના પર ઉકેલ આ‍વશે એવી આશા છે.’

કામણ જતા ઍડ. સુનીલ પ્રધાને જણાવ્યું હતું કે ‘ભિવંડી નજીક કામણ, ખારબાવ, ગોવે આ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ થયો છે. બદલાપુર, થાણે, ડોમ્બિવલી વિસ્તારના લોકો નિયમિત આ વિસ્તારોમાં નોકરી અને કામ માટે જાય છે. અપર કોપર રેલવે સ્ટેશન પર સવારના સમયે ઑફિસ સમય પર પહોંચવા માટે મુસાફરોની સુવિધા ન હોવાથી મુસાફરો અટવાઈ પડે છે. ઑફિસનો સમય સવારે સાડાનવ વાગ્યાનો હોવા છતાં ઘણા મુસાફરો સવારે છ વાગ્યાની પૅસેન્જર ટ્રેન પકડીને વસઈ જતા હોય છે. ઑફિસ સમય દરમિયાન મુસાફરોને પૅસેન્જર ટ્રેનની સુવિધા હોવી જોઈએ. એથી અમે સાંસદ શ્રીકાંત શિંદેને સવારના સમયે બે પૅસેન્જર ટ્રેનને દિવા અને વસઈ વચ્ચે દોડાવવામાં આવે એવી વિનંતી કરી છે. અમને વિશ્વાસ છે કે તેઓ જલદી મુસાફરોને ન્યાય અપાવશે.’

mumbai mumbai news indian railways mumbai local train western railway central railway vasai preeti khuman-thakur jain community kutchi community