31 October, 2023 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર તાજેતરમાં થયેલા અકસ્માતોને કારણે ઑપરેશનલ સ્ટ્રેચ પર દર પાંચ કિલોમીટરે રમ્બલ સ્ટ્રિપ્સ (અવાજ કરે એવાં સ્પીડબ્રેકર) ઇન્સ્ટૉલ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (એમએસઆરડીસી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં લૉન્ચ થયા બાદથી જ એક્સપ્રેસવે પર ૩૫૦૦ અકસ્માતો નોંધાયા છે.
૭૦૧ કિલોમીટર લાંબા એક્સપ્રેસવેમાંથી નાગપુરથી ભરવીર (૫૮૨ કિમી.) વચ્ચેનો સ્ટ્રેચ કાર્યરત છે અને લૉન્ચ થયા પછી સપ્ટેમ્બર સુધીમાં ૪૯ લાખ વાહનો એના પર મુસાફરી કરી ચૂક્યાં છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ‘હાલ રમ્બલ સ્ટ્રિપ્સ લગભગ ૧૦ કિમી.ના અંતરે છે જે દર પાંચ કિમી.એ લગાવવામાં આવશે. અમે રેગ્યુલર અંતરે વાહનોની સ્પીડ પર દેખરેખ રાખવા માટે કૅમેરા લગાવવાની પણ યોજના બનાવી રહ્યા છીએ. પ્રોજેક્ટ હાલ પ્લાનિંગ ફેઝમાં છે.’
એમએસઆરડીસી કૅરેજવે પર સ્કલ્પ્ચર મૂકવાની પણ યોજના ધરાવે છે. આ ઉપરાંત રોડસાઇડ પર કેટલાંક પેઇન્ટિંગ્સ મૂકીને એને વધુ કલરફુલ બનાવવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ એક્સ પરની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ફોર-વ્હીલર માટેની ટૉપ પરમિશિબલ સ્પીડને ૧૨૦ કિમી/કલાકથી ઘટાડીને ૧૦૦ કિમી/કલાક પર લાવવામાં આવી રહી છે. જો સ્પીડ ઘટાડવામાં આવે તો લોકો એનો ઉપયોગ શા માટે કરશે અને પ્રોજેક્ટને પણ નુકસાન થશે.