૭૬,૩૫૪ શંકાસ્પદ ડ્રાઇવિંગ લાઇસન્સનું ૧૨૫ કરોડનું કૌભાંડ?

30 June, 2024 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસે મુદ્દો ગજાવ્યો, સ્પીકરે સરકારને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડ નજીક આવેલી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માંથી ગયા વર્ષે ફેક ડ્રાઇવિંગ-ટેસ્ટના આધારે ૭૬,૩૫૪ શંકાસ્પદ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યાં હોવાની શંકા ઑડિટમાં જણાતાં આ મામલે તપાસ કરવામાં આવી છે. આ મુદ્દે વિરોધ પક્ષોએ વિધાનસભામાં સરકારને ઘેરી હતી અને આ મામલે તપાસ કરવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ અંધેરી RTOમાં ૧૨૫ કરોડ રૂપિયાનું મોટું સ્કૅમ હોવાની શંકા વ્યક્ત કરી હતી. આથી વિધાનસભાના સ્પીકર ઍડ્વોકેટ રાહુલ નાર્વેકરે રાજ્ય સરકારને યોગ્ય કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેના સાર​થિ ઑનલાઇન ડેટામાં ગયા વર્ષે ૧.૦૪ લાખ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં. આમાંથી ૭૫ ટકા એટલે કે ૭૬,૩૫૪ લાઇસન્સ ઇનવૅલિડ વાહનોમાં ટેસ્ટ કરીને આપવામાં આવ્યાં હતાં. ૪૧,૦૯૩ લાઇસન્સ ટૂ-વ્હીલર પર લેવામાં આવેલી ટેસ્ટના આધારે તથા ૩૫,૨૬૧ લાઇસન્સ ફોર-વ્હીલર પર લેવામાં આવેલી ટેસ્ટના આધારે આપવામાં આવ્યાં હતાં. જે ૭૬,૩૫૪ લાઇસન્સ આપવામાં આવ્યાં એ કાર, ટ્રક, બસ, ક્રેન વગેરે માટે હતાં.

RTOના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ તો માત્ર અંધેરી RTOના ડેટા છે. મહારાષ્ટ્રમાં આવી ૫૩ RTO છે. દેશભરમાં ૧૧૦૦ જેટલી RTO છે. ફેક ડ્રાઇવિંગ-ટેસ્ટનો ગોટાળો બીજે પણ ચાલતો હશે. આ ગંભીર મામલો છે એટલે તપાસ કરવામાં આવી છે.’

mumbai news mumbai andheri mumbai police Crime News