દેવેન્દ્ર ફડણવીસ સાથે RSSના નેતાઓએ દોઢ કલાક બેઠક કરી

07 June, 2024 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈથી નાગપુર ગયા પછી નાયબ મુખ્ય પ્રધાન હવે દિલ્હી પહોંચ્યા છે

ગઈ કાલે મુંબઈથી નાગપુર પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસનું ઍરપોર્ટ પર તેમના સમર્થકોએ સ્વાગત કર્યું હતું

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પરાજય થતાં બુધવારે નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વ​રિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાનું કહ્યું છે. ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈથી નાગપુર ગયા હતા જ્યાં ઍરપોર્ટ પર તેમનું કાર્યકરોએ હારતોરા પહેરાવીને સ્વાગત કર્યું હતું. BJPના અનેક નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું ન આપવા માટે વિનંતી કરી છે. જોકે દેવેન્દ્ર ફડણવીસ આ બાબતે મક્કમ હોવાનું જાણ્યા બાદ ગઈ કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસના ઘરે જઈને તેમની સાથે દોઢ કલાક વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર સરકારમાંથી બહાર પડીને ચારેક મહિના બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કામ કરવા માગે છે. સરકારમાં રહીને પણ આ કામ થઈ શકે છે એવું સમજાવવાનો પ્રયાસ RSSના વ​રિષ્ઠ નેતાઓએ કર્યો હોવાનું કહેવાય છે. આ બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી રવાના થયા હતા. દિલ્હીમાં તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા ગયા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

દરમ્યાન ગઈ કાલે ચર્ચા શરૂ થઈ હતી કે મહારાષ્ટ્રમાં નવ લોકસભા બેઠક મેળવનારા ઉદ્ધવ ઠાકરેને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં ફરી લાવવા માટેની જવાબદારી એક કેન્દ્રીય પ્રધાનને સોંપવામાં આવી છે. જોકે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ અને શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે આ વાતને ફગાવીને માત્ર અફવા ગણાવી હતી. 

devendra fadnavis bharatiya janata party rashtriya swayamsevak sangh nagpur mumbai mumbai news political news