૬૫ હિન્દુ સંગઠનો સાથે મળીને હરિયાણા પૅટર્ન અપનાવશે મહારાષ્ટ્રમાં

10 November, 2024 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPથી દૂર થઈ ગયેલા મતદારોને પાછા લાવવા RSSએ કમર કસી છે

પ્રતીકાત્મક તસવીર

૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ નાની-નાની બેઠકો કરવામાં આવશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ હિન્દુ મતોને એકત્રિત કરવા માટે ૬૫ હિન્દુ સંગઠનો સાથે મળીને સ્પેશ્યલ ૬૫ પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી વખતે RSS પ્રચારથી દૂર રહ્યો હતો એનો ફટકો ભારતીય જનતા પાર્ટી (BJP)ને પડ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાનું પુનરાવર્તન ન થાય એ માટે BJPએ ફરી RSSને સાથે લેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આથી હવે RSS મહારાષ્ટ્રમાં મતોનું સમીકરણ BJPના પક્ષે કરવા માટે મેદાનમાં ઊતર્યો છે. દરેક બેઠક પર BJP અને મહાયુતિના ઉમેદવારતરફી વાતાવરણ તૈયાર કરવા માટે RSSએ ‘સજગ રહો’ અને ‘એક હૈં તો સુરક્ષિત હૈં’નું સૂત્ર આપ્યું છે. આ અભિયાન કોઈના વિરોધમાં નહીં પણ જાતિ-જાતિ વચ્ચેના મતભેદ ખતમ કરવા માટે હાથ ધરવામાં આવશે. તાજેતરમાં RSS અને ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ અને રણરાગિની સેવાભાવી સંસ્થા સહિત ૬૫ જેટલાં બિનસરકારી હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. જે બેઠકમાં BJPના મતદારો પક્ષથી દૂર થઈ ગયા છે તેમને ફરી સાધવા લક્ષ્ય કેન્દ્રિત કરવા માટે આ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં RSSના ચાર પ્રાંત છે. આ દરેક પ્રાંતમાં શાખા સ્તરે હવે બેઠકો યોજવામાં આવશે. હરિયાણામાં આવી રીતે ૧૬,૦૦૦ બેઠકો કરવાથી BJPને ફાયદો થયો હતો એટલે મહારાષ્ટ્રમાં આવી ૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ બેઠકો યોજવામાં આવશે.

શાખા સ્તરની આગામી બેઠકોમાં RSS અને BJP સમર્થક ઉપરાંત બીજા મતદારોને સહભાગી કરવામાં આવશે અને વોટબૅન્કની રાજનીતિ, એનાથી હિન્દુઓ પર થતી અસર, બંગલાદેશ અને રોહિંગ્યા મુસલમાનોની ચૂંટણીની ભૂમિકા અને એની અસર તેમ જ ચૂંટણીમાં રાજકીય દુશ્મની કાઢવામાં આવે છે એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. હિન્દુઓ જાતિઓમાં વિભાજિત ન થાય એના પર આ ચર્ચામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

mumbai news mumbai rashtriya swayamsevak sangh bharatiya janata party maharashtra assembly election 2024 assembly elections political news