02 December, 2024 07:01 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નાગપુરમાં કઠાળે કુળના સંમેલનમાં RSSના ચીફ મોહન ભાગવતે આ કુળનો ઇતિહાસ રજૂ કરતી પુસ્તિકા બહાર પાડી હતી
દેશમાં ઘટી રહેલી વસ્તીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે ગઈ કાલે જણાવ્યું હતું કે નવદંપતીઓએ કમસે કમ ત્રણ બાળકો પેદા કરવાં જોઈએ, પ્રજનનદરમાં ઘટાડો એ ચિંતાનો વિષય છે.
નાગપુરમાં કઠાળે કુળના સંમેલનને સંબોધન કરતાં તેમણે સમાજશાસ્ત્રનો તર્ક આપતાં કહ્યું હતું કે ‘આધુનિક વસ્તીશાસ્ત્ર કહે છે કે કોઈ પણ સમાજમાં પ્રજનનદર ૨.૧થી નીચે આવે છે તો એ સમાજ પૃથ્વી પરથી ખતમ થઈ જાય છે. એને કોઈ મારતું નથી, પણ કોઈ પણ પ્રકારના સંકટ વિના ખુદ ખતમ થાય છે. આવી રીતે દુનિયામાં ઘણા સમાજ અને ઘણી ભાષાઓ નષ્ટ થઈ ગયાં છે. પ્રજનનદર ૨.૧ ટકાથી નીચે જવો જોઈએ નહીં. આપણા દેશમાં પણ જનસંખ્યા નીતિ ૧૯૯૮ અથવા ૨૦૦૨માં નક્કી કરવામાં આવી હતી અને એમાં પણ કહેવામાં આવ્યું હતું કે પ્રજનનસંખ્યા ૨.૧થી નીચે જવી જોઈએ નહીં. આમ દંપતીઓએ કમસે કમ બેથી વધારે ત્રણ બાળકો પેદા કરવાં જોઈએ.’
આ બેઠકમાં મોહન ભાગવત પહેલાંના વક્તાઓએ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે આજે ઘણાં દંપતીઓ બાળકો કરવા તૈયાર નથી. આ મુદ્દે બોલતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે હિન્દુઓની વસ્તી ૭.૮ ટકાથી ઓછી થઈ છે. આનાથી વિપરીત પાડોશી દેશોમાં વસ્તી વધી રહી છે.’
પ્રજનનદર ૨.૧ ટકા એટલે શું?
ભારતમાં પ્રજનનદર ૨.૧ ટકા છે એનો મતલબ એ છે કે એક મહિલા તેના જીવનકાળમાં બે બાળકોને જન્મ આપે છે. હકીકતમાં મહિલાને બે નહીં, ત્રણ બાળકો હોવાં જોઈએ. ૨.૧નો આંકડો વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આપ્યો છે. કોઈ પણ દેશની જનસંખ્યાને સ્થિર રાખવા માટે આ પ્રજનનદર જરૂરી છે. જો આમ ન થાય તો સમાજમાં અસંતુલન પેદા થાય છે. આ આંકડો ૧૮થી ૪૯ વર્ષની મહિલામાં બાળકોને પેદા કરવાની સરેરાશ સંખ્યા તરીકે આપવામાં આવે છે.
સંઘે આ પહેલાં પણ વ્યક્ત કરી છે ચિંતા
એક સમાજની વસ્તીમાં ઘટાડાના મુદ્દે RSSએ આ પહેલાં પણ ચિંતા વ્યક્ત કરી હતી. હિન્દુ વસ્તીમાં ઘટાડાથી સમાજમાં અસંતુલન પેદા થઈ રહ્યું છે જે ભારતીય લોકતંત્ર માટે ખતરાની નિશાની છે. આ મુદ્દે નિષ્ણાતો જણાવે છે કે ૨૦૩૦ સુધી ભારત સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ બની રહેશે, પણ પછી ઘરડાઓની સંખ્યા વધશે. કદાચ આ કારણ છે જેથી સુપ્રીમ કોર્ટમાં વસ્તીના સંદર્ભે ચાલતી સુનાવણીમાં પરિવાર નિયોજનને અનિવાર્ય બનાવવાના કાયદા બાબતે સરકાર એના પક્ષમાં નથી.