21 December, 2024 07:51 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
RSSના ચીફ મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ મોહન ભાગવતે દેશભરમાં મંદિર-મસ્જિદના વિવાદ ફરીથી ઊભા થઈ રહ્યા છે એ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે આવા મુદ્દાઓ ઉઠાવીને તેઓ હિન્દુઓના નેતા બની શકે છે, જે ઉચિત નથી.
પુણેમાં એક વ્યાખ્યાનમાળા અંતર્ગત ‘વિશ્વગુરુ ભારત’ થીમ પર બોલતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતે દુનિયા સમક્ષ એ સાબિત કરવું પડશે કે જુદા-જુદા ધર્મના અને જુદી-જુદી વિચારધારાઓના લોકો એકબીજા સાથે અહીં શાંતિપૂર્ણ રીતે રહી શકે છે.
તાજેતરમાં જ અજમેર શરીફ દરગાહનો અને ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદનો સર્વે કરાવવા બાબતે જે વિવાદ થયો એ સંદર્ભમાં મોહન ભાગવતે આ ટિપ્પણીઓ કરી હતી.
મોહન ભાગવતે લોકોને ઐતિહાસિક ભૂલોમાંથી બોધ લેવાનો આગ્રહ કરતાં કહ્યું હતું કે આપણે ભારતને સર્વસમાવેશકતાનું વૈશ્વિક રોલ મૉડલ બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તમામ હિન્દુઓની આસ્થાનો વિષય હતો એવી સ્પષ્ટતા કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘નવાં સ્થળો વિશે આવા વિવાદો ઊભા કરવા એ અસ્વીકાર્ય છે. કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવા વિવાદ ઊભા કરીને હિન્દુઓના નેતા બની જશે. આવું કઈ રીતે ચલાવી લેવાય?’
આ દેશની પરંપરા એક વ્યક્તિને તેનો ધર્મ પાળવાની છૂટ આપે છે એમ જણાવતાં મોહન ભાગવતે કહ્યું હતું કે શરત માત્ર એટલી જ છે કે સંવાદિતા સાથે રહો અને કાયદાનું પાલન કરો.