15 December, 2023 08:40 AM IST | Mumbai | Prakash Bambhroliya
આરપીએફની ટીમ બદલાપુર રેલવે સ્ટેશનમાં પકડેલી પાંચ મહિલા સાથે
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં ધસારાના સમયે લોકોને પોતાના કામધંધાના સ્થળે કે ઘરે પહોંચવાની ઉતાવળ હોય છે ત્યારે જ તેમને લોકલ ટ્રેનમાં ચડવા ન દેવાય અને દરવાજો બંધ કરી દેવામાં આવે ત્યારે કેવી હાલત થાય? સેન્ટ્રલ રેલવેમાં બદલાપુરના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર મંગળવારે સવારના ૭.૫૧ વાગ્યાની કર્જતથી સીએસએમટી જઈ રહેલી લોકલ ટ્રેન પહોંચી ત્યારે લેડીઝ કોચનો દરવાજો અંદરથી બંધ કરી દેવાથી બદલાપુર સ્ટેશને ઊભેલી મહિલાઓ એમાં ચડી નહોતી શકી. આ મામલાની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ બદલાપુર રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની ટીમે બુધવારે ટ્રેનનો દરવાજો બંધ કરીને પ્રવાસીઓને ચડવા ન દેવાના આરોપસર પાંચ મહિલાની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. પાંચેય મહિલાઓએ ૨૦૦-૨૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.
મંગળવારે સવારે સેન્ટ્રલ રેલવેના બદલાપુર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર કર્જતથી સીએસએમટી જઈ રહેલી લોકલ ટ્રેન પહોંચી ત્યારે સેકન્ડ ક્લાસના લેડીઝ કોચમાં પ્રવાસ કરનારી મહિલાઓએ બદલાપુરની મહિલાઓને અમારી ટ્રેનમાં ચડતા નહીં એમ કહીને દરવાજો અંદરથી લૉક કરી દીધો હતો. આથી બદલાપુરની મહિલાઓને મુશ્કેલી થઈ હતી. રેલવે પોલીસ અને આરપીએફના જવાનોએ ૧૦ મિનિટ ટ્રેનની અંદરની મહિલાઓ સાથે માથાકૂટ કર્યા બાદ દરવાજો ખૂલ્યો હતો અને ટ્રેન સીએસએમટી તરફ રવાના થઈ હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થવાથી રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા દરવાજો બંધ કરનારી મહિલાઓને વિડિયોમાં ઓળખવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
કર્જતથી સીએસએમટીની ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓને ઓળખવા માટે સીસીટીવી કૅમેરા અને ઇન્ટેલિજન્સ ટીમની મદદ લેવામાં આવી હતી. એમાં બદલાપુર આરપીએફની ટીમે પાંચ મહિલાની ઓળખ થતાં તેમની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે આ મહિલાઓ?
બદલાપુર આરપીએફના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરપીએફની મહિલા કૉન્સ્ટેબલોએ ઘટનાના ૨૪ કલાકની અંદર ટ્રેનનો દરવાજો લૉક કરનારી મહિલાઓની ઓળખ કરી લીધી હતી. પાંચ મહિલાઓમાં શેલુમાં રહેતી નીલમ અશોક કદમ, પ્રીતિ શાહ બહાદુર યાદવ અને પૂજા મિલિંદ પગારે તથા ભીવપુરીમાં રહેતી પ્રણાલી એસ. કાંબળે તથા કર્જતમાં રહેતી રેખા સંજય ભગતે દરવાજો લૉક કર્યો હોવાનું જણાઈ આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને રેલવેની કોર્ટમાં રજૂ કરાતાં તેમણે ગુનો કબૂલ કર્યો હતો. રેલવેના જુડિશ્યલ મૅજિસ્ટ્રેટે પાંચેય મહિલાને ૨૦૦-૨૦૦ રૂપિયાનો દંડ ફટકારીને તેમને ભવિષ્યમાં ફરી આવું ન કરવાની ચેતવણી આપી હતી.’ ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી કર્જત અને બદલાપુરના પ્રવાસીઓ વચ્ચે કાયમ ઝઘડા થાય છે. ધસારાના સમયની ટ્રેનોમાં બદલાપુરના પ્રવાસીઓને અમારી ટ્રેનમાં નહીં ચડતા એવી ચીમકી કજર્તના પ્રવાસીઓ આપે છે. રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા આવા ઝઘડાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ એમાં ખાસ ફરક નથી પડતો એવું જાણવા મળ્યું હતું.