18 February, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાત્રે અંધેરી સ્ટેશન પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન પકડવા ગયેલા રાજેન્દ્ર માંગીલાલને RPFના જવાને બચાવી લીધો હતો.
અંધેરી સ્ટેશન પરથી છૂટી રહેલી લોકશક્તિ એક્સપ્રેસ પકડવાના ચક્કરમાં એક યુવાને બૅલૅન્સ ગુમાવતાં પગથિયાં પર ન ચડતાં પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચે આવી ગયો હતો અને ચાલુ ટ્રેન સાથે ઘસડાવા માંડ્યો હતો. એ જ વખતે ત્યાં ફરજ બજાવી રહેલો રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નો જવાન ક્ષણનો પણ વિલંબ ન કરતાં દોડ્યો હતો અને તેને બહાર ખેંચી લેતાં તે યુવાન બચી ગયો હતો. આ આખી ઘટના પ્લૅટફૉર્મ પર લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી.
અંધેરીના સાત બંગલા વિસ્તારમાં રહેતો ૪૦ વર્ષનો રાજેન્દ્ર માંગીલાલ અમદાવાદ જવાનો હતો એટલે તેણે લોકશક્તિ એક્સપ્રેસની ટિકિટ કઢાવી હતી. જોકે તેને મોડું થઈ ગયું હતું. તે પ્લૅટફૉર્મ પર પહોંચ્યો ત્યારે ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ હતી. એથી તેણે ચાલુ ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં બૅલૅન્સ જવાથી પ્લૅટફૉર્મ અને ટ્રેનના ગૅપની વચ્ચે પડી ગયો હતો.
એ વખતે સ્ટેશન પર ત્યાં જ ફરજ બજાવી રહેલા RPFના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર પહુપ સિંહે તેને આવતાં જોયો હતો અને ટ્રેન પકડવાના પ્રયાસમાં પટકાતાં પણ જોયો હતો. એથી તે તરત દોડ્યો હતો અને ચાલુ ટ્રેન સાથે ઘસડાઈ રહેલા રાજેન્દ્રને બહાર ખેંચી કાઢતાં તે બચી ગયો હતો. ગભરાયેલા રાજેન્દ્રએ તેને કહ્યું કે તે અમદાવાદ જવા માગતો હતો અને લોકશક્તિની ટિકિટ કઢાવી હોવાથી ચડવા માગતો હતો. જોકે તેને સધિયારો આપીને અરાવલી એક્સપ્રેસમાં જવાની સલાહ આપવામાં આવી હતી.
આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નેટિઝનો પહુપ સિંહને બિરદાવી રહ્યા હતા અને એ વિશે કમેન્ટ કરી રહ્યા હતા.