ફાયરિંગ કરીને આંગડિયાને લૂંટી લેનારા ચારમાંથી બે આરોપીને પોલીસે આઠ કલાકમાં પકડી પાડ્યા

08 January, 2025 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે રાત્રે દક્ષિણ મુંબઈની સૅન્ટ જ્યૉર્જ હૉસ્પિટલ પાસે બનેલી આ ઘટનામાં પોલીસે આરોપીઓ પાસેથી ૪૭.૨૭ લાખમાંથી ૧૬.૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સાઉથ મુંબઈની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલ પાસે સોમવારે રાતે ૧૦.૩૦ વાગ્યે પી. ડિમેલો રોડ પરથી પસાર થઈ રહેલા બે આંગડિયા પર ફાયરિંગ કરી તેમની પાસેના ૪૭.૨૭ લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટીને ૪ આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટનામાં ગોળી એક આંગડિયાના પગ પર ઘસાઈને નીકળી જવાથી તેને ચર્ની રોડમાં આવેલી સૈફી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી તપાસ કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બીજા બેની શોધ ચલાવાઈ રહી છે.

આંગડિયાનું કામ કરતો ​ચિરાગ ધંધુકિયા તેના સાથી સાથે સ્કૂટી પર જઈ રહ્યો હતો ત્યારે ચાર લોકોએ તેમને રોક્યા હતા અને મારઝૂડ કરીને તેમની પાસેથી દાગીનાની બૅગ ઝૂંટવી લીધી હતી. એ ઝપાઝપીમાં તેમણે ફાયરિંગ પણ કર્યું હતું. એમાં એક આંગડિયાને પગમાં ગોળી વાગી હતી. એ પછી આરોપીઓ બૅગ લઈને ત્યાંથી નાસી ગયા હતા.  

આ સંદર્ભે માતા રમાબાઈ આંબેડકર (MRA) માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફાયરિંગ અને રૉબરીની આ ઘટનાની ગંભીરતા જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આરોપીઓને પકડવા એક કરતાં વધુ ટીમ બનાવી હતી.

ઝોન એકના ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રવીણ મુંઢેએ કહ્યું હતું કે ‘આઠ જ કલાકમાં બે આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી ૧૬.૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે, જ્યારે બીજા બે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.’

૪૭ વર્ષના એક આરોપીને ગિરગામની ખોતાચી વાડીમાંથી ઝડપી લેવાયો હતો, જ્યારે ૪૫ વર્ષના બીજા આરોપીને ડોંગરીથી ઝડપી લેવાયો હતો. નાસતા ફરતા બીજા બે આરોપીઓની શોધ ચલાવાઈ રહી છે. સારવાર લઈ રહેલા આંગડિયાની હાલત સુધારા પર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

south mumbai news mumbai mumbai news Crime News mumbai police jj hospital