24 December, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
ભુલેશ્વરમાં રહેતા અને આંગડિયાને ત્યાં કામ કરતા ઇન્દ્રકુમાર મોતીલાલ પ્રજાપતિ અને તેના સાથીદારને બે લૂંટારાઓએ હથિયારથી ધમકાવીને અને પેપર-સ્પ્રે છાંટીને લૂંટી લેવાની ઘટના ગુલાલવાડીના નાકા પર ગઈ કાલે બની હતી.
મુંબઈ પોલીસે આ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘ઇન્દ્રકુમાર અને તેનો સાથી અનુરાગસિંહ ઉમેશ રાજપૂત તેમની આંગડિયા કંપનીના દસ લાખ રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે લૂંટારાઓએ તેમને ગુલાલવાડીના નાકા પર આવેલી શ્રીનાથ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે આંતર્યા હતા. લૂંટારાઓએ તેમને હથિયાર બતાવી ધમકાવ્યા હતા અને ત્યાર બાદ તેમની આંખમાં પેપર-સ્પ્રે છાંટી તેમની પાસેના દસ લાખ રૂપિયા ઝૂંટવીને નાસી ગયા હતા. પોલીસે હાલ લૂંટનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવી એના આધારે લૂંટારાઓને ઝડપી લેવાના પ્રયાસ ચાલુ કરાવવામાં આવ્યા છે.’