આરે કૉલોનીમાં ગયા અઠવાડિયે જ રિપેર કરેલા રસ્તા એક વરસાદમાં ધોવાઈ ગયા

10 July, 2021 12:52 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

આરે માર્કેટથી રૉયલ પામ સુધી એકથી દોઢ કિલોમીટરના પટ્ટામાં પાંચસો ખાડા જોવા મળ્યા: રિપેરિંગના થોડા વખતમાં ખાડાનો વ્યાપ-સંખ્યા વધી જાય છે : લાખો રૂપિયા પાણીમાં ગયા

આરે કૉલોનીમાં ગયા અઠવાડિયે જ રિપેર કરેલા રસ્તા એક વરસાદમાં ધોવાઈ ગયા

ગોરેગામ (ઈસ્ટ)ની આરે મિલ્ક કૉલોનીમાં ગયા અઠવાડિયે કરવામાં આવેલા રસ્તાઓના સમારકામનો ધબડકો થયો છે. સ્થાનિક રહેવાસીઓ દર વર્ષે ચોમાસા પહેલાં એ વિસ્તારના માર્ગોના સમારકામમાં આવો અનુભવ થતો હોવાનું કહે છે. એક જ વરસાદમાં બધા સમારકામનું ધોવાણ થતાં આરે માર્કેટથી રૉયલ પામ સુધીના એક કિલોમીટરના રસ્તા પર ઓછામાં ઓછા પાંચસો ખાડા પડ્યા છે. એ વિસ્તારમાં રહેતા લોકો અધિકારીઓને કરવામાં આવતી ફરિયાદો બહેરા કાને અથડાતી હોવાનો બળાપો પ્રસારમાધ્યમો સમક્ષ વ્યક્ત કરે છે. 
આ વિસ્તારના રહેવાસી શાહીદ યુનુસે જણાવ્યું હતું કે ‘રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે જ અમે સમજતા હતા કે ખાડામાં ભરણી માટે કે સમારકામ માટે જે ઈંટ, રેતી, સિમેન્ટ વગેરે સામગ્રી વાપરવામાં આવી છે એ ટૂંકા ગાળામાં ધોવાઈ જશે. સમારકામનો વ્યાયામ ફક્ત લોકોની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. ખરેખર ૪૮ કલાકના વરસાદમાં ભરણી અને સમારકામમાં વપરાયેલી કૉન્ક્રીટ તથા અન્ય સામગ્રી પાણીમાં વહી ગઈ છે. એમાં લાખો રૂપિયા વેડફાઈ ગયા. ગઈ કાલે નિરીક્ષણ કરતાં એકથી દોઢ કિલોમીટરના પટ્ટામાં પાંચસો કરતાં વધારે ખાડા જોવા મળ્યા હતા.’
આરે કૉલોનીના સીઈઓ હેમંત ગાડવેએ જણાવ્યું હતું કે ‘આરે કૉલોનીના આંતરિક રસ્તાનાં સમારકામની જવાબદારી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ની છે. રસ્તાના સમારકામના ધબડકાની લોકફરિયાદ બાબતે અમે પીડબ્લ્યુડીને જાણ કરીને ફોલોઅપ કરીએ છીએ. આ વિસ્તારના નાગરિકોને અગવડ ન પડે એ માટે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.’ જોકે પીડબ્લ્યુડીના અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ ગાળામાં  કામચલાઉ ધોરણે રસ્તાના ખાડાની ભરણી કરીએ છીએ અને ચોમાસા પછી પર્મેનન્ટ રિપેરિંગ કરીશું. 
જેટલા રસ્તા, એટલી સમસ્યાઓ રે કૉલોનીમાં ૩૨ આદિવાસી વસાહતો તથા અન્ય એકમોને સાંકળી લેતા અનેક આંતરિક રસ્તા છે. એ રસ્તાના કેટલાક ભાગોનું સમારકામ દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવે છે, પરંતુ જનતા અને વાહનચાલકોને પ્રવાસમાં પડતી મુશ્કેલીઓ સતત વધતી જાય છે. લાખો રૂપિયાના ખર્ચે પૂરવામાં આવતા રસ્તાના ખાડા વ્યાપ અને સંખ્યામાં સતત વધતા જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. ગોરેગામ (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી મરોલ અને પવઈ સુધીનો મુંબઈ મહાનગરપાલિકા હસ્તકનો મુખ્ય માર્ગ સારી સ્થિતિમાં છે.  

Mumbai Mumbai News ranjeet jadhav