રિચર્ડ ગેરે-શિલ્પા શેટ્ટી કિસિંગ કેસમાં અભિનેત્રીને મળી રાહત, આવ્યો આ આદેશ

04 April, 2023 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી શિલ્પા શેટ્ટીને દોષમુક્ત કરવાના આદેશ સામેની અરજી ફગાવી દેવામાં આવી

શિલ્પા શેટ્ટીની ફાઇલ તસવીર

હોલીવુડ અભિનેતા રિચર્ડ ગેરે (Richard Gere) અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના વર્ષ ૨૦૦૭નો બહુ ચર્ચિત કિસિંગ કેસ આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુંબઈની સેશન્સ કોર્ટ (Mumbai sessions court)એ સોમવારે અભિનેતા રિચર્ડ ગેરે સાથે જોડાયેલા આ અશ્લીલ મામલામાં અભિનેત્રીને નિર્દોષ જાહેર કરવાના મેજિસ્ટ્રેટના આદેશ સામે શિલ્પા શેટ્ટીની અરજીને ફગાવી દીધી હતી. રિચર્ડ ગેરે વર્ષ ૨૦૦૭માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન શિલ્પા શેટ્ટીને કિસ કરી હતી. આ પછી અભિનેત્રી વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો.

મેજિસ્ટ્રિયલ કોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી સેશન્સ જજ એસસી જાધવે ફગાવી દીધી હતી. હકીકતમાં, એપ્રિલ ૨૦૦૭માં શિલ્પા શેટ્ટીએ એક જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો. અહીં અભિનેત્રી સ્ટેજ પર ગેરેને એસ્કોર્ટ કરી રહી હતી જ્યારે હોલીવુડ સ્ટારે તેની સાથે હાથ મિલાવ્યો, ગળે મળ્યો અને પછી ચુંબન કર્યું હતું.

આ પણ વાંચો - Richard Gere Kiss Case: અશ્લિલતાના કેસમાંથી શિલ્પા શેટ્ટીને મળી મુક્તિ

જાહેરમાં આ પ્રકારનું શિલ્પા અને રિચર્ડનું વર્તન લોકોને પસંદ નહોતું આવ્યું. પછી તો આ ઘટનાને લઈને ભારે વિવાદ થયો હતો. તે દરમિયાન શિલ્પા પણ ઘણી ચર્ચામાં રહી હતી. અભિનેત્રી વિરુદ્ધ જયપુર, અલવર અને ગાઝિયાબાદમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કેટલાક લોકોએ આ હરકતને અશ્લીલ અને દેશની સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું હતું. રાજસ્થાનમાં ગેરે અને શેટ્ટી વિરુદ્ધ આઈપીસી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - સમસ્યાની તરફ તમારું વર્તન કેવું છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે : શિલ્પા શેટ્ટી કુન્દ્રા

ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી ૨૦૨૨માં, મેજિસ્ટ્રેટની કોર્ટે શિલ્પા શેટ્ટીને નિર્દોષ જાહેર કરી હતી અને કહ્યું હતું કે, અભિનેત્રી હોલિવુડ અભિનેતા ગેરેની હરકતોનો ભોગ બની હતી.

વર્ષ ૨૦૦૭માં શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેરેની આ ઘટનાઓ બહુ ચર્ચામાં રહી હતી. આ સાથે હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરેની સમગ્ર દેશમાં ભારે ટીકા થઈ હતી.કેટલીક સંસ્થાઓએ શિલ્પા શેટ્ટીને પણ બક્ષી ન હતી.

mumbai mumbai news bollywood bollywood news hollywood news shilpa shetty richard gere