28 December, 2022 10:20 AM IST | Mumbai | Faizan Khan
૨૨ ડિસેમ્બરે ગોરેગામમાં ૩૦ વર્ષના યુસુફ અમજદને નશાની હાલતમાં ડ્રાઇવ કરતાં પકડ્યો હતો. (તસવીર : પ્રદીપ ધિવાર)
દેશમાં કોવિડનો પ્રવેશ થઈ ચૂક્યો છે એવામાં મુંબઈ ટ્રાફિક પોલીસ નવા વર્ષની પૂર્વસંધ્યાએ દારૂના નશામાં ડ્રાઇવ કરનારાઓને ઝડપવા માટે બ્રીથલાઇઝર સાથે મેદાનમાં ઊતરી છે. કોવિડ-19 તેમ જ સરકારની માર્ગદર્શિકાને કારણે છેલ્લાં બે વર્ષથી બ્રીથલાઇઝરનો ઉપયોગ કરવામાં નહોતો આવી રહ્યો. જોકે આ વર્ષે આવા કોઈ પ્રતિબંધ ન હોવાથી લોકો મુક્ત બનીને ઉજવણી કરશે એવામાં પોલીસ વિભાગની જવાબદારી વધી જાય છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેમ જ અઘટિત બનાવ રોકવા માટે શહેરમાં ઠેકઠેકાણે પોલીસ તહેનાત કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષમાં કોવિડનાં નિયંત્રણોનું પાલન કરાવતાં અનેક પોલીસ અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષો દરમ્યાન પોલીસ વિભાગમાં કોવિડ ન પ્રસરે એ હેતુથી બ્રીથલાઇઝરનો ઉપયોગ બંધ હતો. જોકે હવે પોલીસ અધિકારીઓ બ્રીથલાઇઝરનો ઉપયોગ કરતી વખતે પૂરતી તકેદારી રાખવા ઉપરાંત હૅન્ડ સૅનિટાઇઝરનો ઉપયોગ કરશે.
આ ઉપરાંત કાયદો-વ્યવસ્થાના જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીના આદેશ મુજબ નવા વર્ષની ઉજવણી વખતે મુંબઈ પોલીસ ફુટ પૅટ્રોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોકો બે વર્ષ બાદ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે એ બાબતને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પોલીસ-પૅટ્રોલિંગ ઉપરાંત આતંકવાદ વિરોધી સ્ક્વૉડ, ઈવ ટીઝિંગ સ્ક્વૉડ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ, નિર્ભયા પથક પણ શહેરનાં મહત્ત્વનાં સ્થળોએ તહેનાત કરવામાં આવી છે.