18 November, 2024 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, વીરેન શાહ
ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને ચૂંટણીના દિવસે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની પણ આપી દીધી ચીમકી
ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે ગઈ કાલે એક પત્ર લખીને અને વિડિયો વાઇરલ કરીને ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના એક કરોડ વેપારીઓ વતી એક સીધો સવાલ કર્યો હતો કે ‘શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રવક્તા સંજય રાઉતે વેપારી વર્ગ પર આક્ષેપ કર્યો હતો કે વેપારીઓ પોતાના ફાયદા માટે ખોટું બોલે છે, ભેળસેળ કરે છે અને ગ્રાહકોને છેતરે છે. આ જવાબદારી વિનાના નિવેદનથી વેપારી વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. શું તમે આ નિવેદનનું સમર્થન કરો છો? જો પતમે આ નિવેદન સાથે સહમત નથી તો તમે સંજય રાઉતને કહો કે તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રના સમગ્ર વેપારીઓની જાહેરમાં માફી માગે અને તમે પણ જાહેરમાં આ નિવેદનનો વિરોધ કરો. જો તમે આમ નહીં કરો તો વેપારીઓએ ૨૦ નવેમ્બરે મતદાન કરતી વખતે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મત આપવો કે નહીં એના પર વિચારવું પડશે. વેપારીઓ ફક્ત વિચારશે જ નહીં, પણ ખુલ્લેઆમ તમારી પાર્ટીને મત આપવાનો વિરોધ કરશે અને તમારી પાર્ટીને મત નહીં આપવાની જનતાને અપીલ કરશે.’