01 April, 2023 12:05 PM IST | Mumbai | Rajendra B Aklekar
અંધેરી અને બોરીવલી સ્ટેશન પર શરૂ થશે રેસ્ટોરાં-ઑન-વ્હી
મુંબઈ ઃ અંધેરી અને બોરીવલી રેલવે-સ્ટેશન પર રેલવેના જૂના કોચ ટૂંક સમયમાં રેસ્ટોરાંમાં ફેરવાઈ જશે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવું પહેલી વખત થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘બોરીવલી અને અંધેરી સ્ટેશન પરના રેલવે કોચ સાથે રેસ્ટોરાં-ઑન-વ્હીલ્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અંધેરીની રેસ્ટોરાં ઈસ્ટમાં ગેટ-નંબર ૧૦ પર અને બોરીવલીમાં સ્ટેશનના ઉત્તર છેડામાં (વિરાર એન્ડ) ઈસ્ટમાં હશે.’
રેસ્ટોરાં-ઑન-વ્હીલ્સ એ રેલવે પર બનેલો એક મૉડિફાઇડ કોચ છે, જે એક અનન્ય ડાઇનિંગનો અનુભવ આપશે. એ ૪૦થી વધુ પ્રવાસીઓને સામેલ કરી શકે છે. રેસ્ટોરાંનું ઇન્ટીરિયર એ પ્રકારનું છે કે એમાં થીમ-આધારિત જમવાનો આનંદ માણી શકાશે.
બિનઉપયોગી રેલવે કોચનો ઉપયોગ કરીને આ રેસ્ટોરાં બનાવવામાં આવી છે. રેસ્ટોરાંના મેનુના ભાવ રેલવે દ્વારા મંજૂર કરાયેલા બજારદર અનુસાર નક્કી કરાયા છે. એમાં સામાન્ય રીતે ભારતીય, કૉન્ટિનેન્ટલ તથા અન્ય ભોજન સામગ્રી ઉપલબ્ધ રહેશે. આ રેસ્ટોરાં મુસાફરો અને સામાન્ય લોકો માટે પણ ખુલ્લી રહેશે.
રેસ્ટોરાંના કૉરિડોર તથા આસપાસની જાળવણીની જવાબદારી લાઇસન્સધારકની રહેશે. તેની પાસે ફૂડ ઍડલ્ટરેશન ઍક્ટ તથા અન્ય વૈધાનિક કાયદાઓના પાલનની અપેક્ષા રાખવામાં આવશે. સલામતીના પાસાને ધ્યાનમાં રાખીને પોર્ટેબલ અગ્નિશામક ઉપકરણો મૂકવામાં આવશે અને સ્ટાફને એના ઉપયોગ સંદર્ભે જાણકારી હોવી આવશ્યક રહેશે. અગ્નિશામક યંત્રની માન્યતા સમય મુજબ અપડેટ કરાવવાની રહેશે અને રેલવે અધિકારીઓ દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાગપુર ખાતે એક-એક રેસ્ટોરાં-ઑન-વ્હીલ શરૂ કરી છે અને ત્યાં અત્યાર સુધીમાં અનુક્રમે ૧,૨૫,૦૦૦ અને ૧,૫૦,૦૦૦ મુલાકાતીઓ આવી ચૂક્યા છે. ખાણી-પીણી માટે આ જગ્યા જાણીતી બની ચૂકી છે.
મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેની રેસ્ટોરાંમાં સોમથી શુક્ર ૨૫૦ જેટલા અને શનિ-રવિમાં ૩૫૦ મુલાકાતીઓ આવે છે. સેન્ટ્રલ રેલવે દાદર-પૂર્વ તથા કુર્લામાં લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે આવી વધુ બે રેસ્ટોરાં સ્થાપવાની યોજના ધરાવે છે. આગામી એક વર્ષમાં બધી રેસ્ટોરાં શરૂ થઈ ગયા બાદ શહેરનાં સ્ટેશનો પર આવી પાંચ રેસ્ટોરાં-ઑન-વ્હીલ્સ હશે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેની એક રેસ્ટોરાંનો સમાવેશ થાય છે.