મુલુંડ કહે છે, ‘આવતા નહીં’; ધારાવી કહે છે, ‘અમે નહીં હટીએ’

21 January, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડના રહેવાસીઓએ મુલુંડ પુનર્વસન યોજનાનો વિરોધ કર્યા બાદ હવે ધારાવીના રહેવાસીઓએ પણ નનૈયો ભણ્યો છે

મુલુંડ-ઈસ્ટમાં ઑક્ટ્રૉય નાકા યાર્ડ. સમીર માર્કન્ડે

મુંબઈ : ધારાવીના રહેવાસીઓનું મુલુંડમાં પુનર્વસન થાય એનો મુલુંડના રહેવાસીઓએ વિરોધ કર્યો છે ત્યારે ધારાવીના રહેવાસીઓએ પણ આ યોજના ફગાવી દીધી છે. રાજ્યની કૅબિનેટે ધારાવીના એ રહેવાસીઓનું મુલુંડમાં પુનર્વસન કરવાનો નિર્ણય લીધો છે જે ધારાવી રીહૅબિલિટેશન પ્રોજેક્ટ માટે યોગ્યતા નથી ધરાવતા. મુલુંડની ૬૪ એકર જમીન પર ધારાવી પુનર્વસન પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે બીએમસી પાસેથી ઑક્ટ્રૉય નાકા અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીનની માગણી કરી છે અને મુલુંડને પુનર્વસન કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. 
ઍડ્વોકેટ સાગર દેવરેએ જણાવ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ માત્ર ધારાવીના રહેવાસીઓ માટે નથી, પરંતુ અન્ય ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું પણ અહીં પુનર્વસન કરવામાં આવશે. રાજ્ય સરકાર અહીં ચાર લાખ ઘર બાંધવાની યોજના ધરાવે છે. મુલુંડ-પૂર્વની વર્તમાન વસ્તી લગભગ ૧.૫૦ લાખ છે. જો અહીં ચાર લાખ મકાનો બાંધવામાં આવે તો વસ્તી છગણી વધી જશે. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને આ અંગે ઑથોરિટીને પત્રો પણ લખ્યા છે.’

મુલુંડ-પૂર્વનાં અન્ય રહેવાસી મયૂરા બાનાવલીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘શું ઑથોરિટી માટે મુલુંડ રીહૅબિલિટેશન સેન્ટર છે? મુલુંડ શહેરનું એન્ટ્રી-પૉઇન્ટ છે અને વસ્તીમાં અચાનક વધારો થશે તો એન્ટ્રી-પૉઇન્ટ ચૉક-અપ થઈ જશે. આ નિર્ણયથી મુલુંડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લોડ પડશે.’
‘સેવ ધારાવી’ના સભ્ય બાબુરાવ માનેએ કહ્યું હતું કે ‘અમે ધારાવીમાંથી શા માટે જઈએ? અહીં લગભગ એક લાખ બાંધકામો છે અને એને ઇન્ડસ્ટ્રિયલ હબ સાથે ૩૫૦ એકરના પ્લૉટમાં રીહૅબિલિટેટ કરી શકાય છે. અમે અહીંથી નહીં હટીએ.’ 

સેવ ધારાવીના નસરિલ હકે દરેક પરિવારને ધારાવીમાં ઘર મળે એવી માગ કરી હતી.
રાજ્યના હાઉસિંગ વિભાગે બીએમસીના ચીફ ઇકબાલ સિંહ ચહલને જમીન સોંપવા અંગે પત્ર લખ્યો હતો, જેનો હજી સુધી જવાબ મળ્યો નથી. દરમ્યાન, ધારાવી રીડેવલપમેન્ટ ઑથોરિટીના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રક્રિયામાં સમય લાગશે. હાઉસિંગ વિભાગે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ અને બીએમસીને પત્ર 
લખ્યો છે.’

mumbai news mulund dharavi