11 November, 2024 07:02 AM IST | Mumbai | Rajendra B Aklekar
સિટિઝન મૅનિફેસ્ટોમાં જે ૧૧ પૉઇન્ટ છે એમાં મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવરનું કામ ઝડપથી પૂરું કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ૨૦ નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષોએ તેમના ચૂંટણીઢંઢેરા બનાવ્યા છે, પણ અંધેરીના રહેવાસીઓએ તેમનો ખુદનો ૧૧ મુદ્દાનો એક મૅનિફેસ્ટો તૈયાર કર્યો છે. જે ઉમેદવારો મત માગવા આવે છે તેમને આ મૅનિફેસ્ટો આપી દેવામાં આવે છે. આ મૅનિફેસ્ટોમાં અંધેરી ઈસ્ટ અને વેસ્ટની સમસ્યાઓની જાણકારી અપાઈ છે અને એનો ઝડપી ઉકેલ લાવવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.
આ મુદ્દે લોખંડવાલા-ઓશિવરા
સિટિઝન્સ અસોસિએશન (LOCA)ના સહસ્થાપક અને સિટિઝન ઍક્ટિવિસ્ટ ધવલ શાહે જણાવ્યું હતું કે ‘અમે અમારી માગણીઓ ૧૧ વિભાગમાં વહેંચી દીધી છે. એમાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિવેજ, સૅનિટેશન, ફાયર સેફ્ટી, પોસ્ટ-ઑફિસ, લોખંડવાલા લેકનું ડ્રેજિંગ, પર્યાવરણના મુદ્દા, મેટ્રોની સમસ્યા, પાણીની સમસ્યા અને વેસ્ટ મૅનેજમેન્ટનો સમાવેશ છે.’
રોડ અને બ્રિજ
આ મૅનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું છે કે ઠાકરે ફ્લાયઓવર એક્સ્ટેન્શન, યારી રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ નગર બ્રિજ, વર્સોવાથી મઢ બ્રિજ, મૃણાલતાઈ ફ્લાયઓવર એક્સ્ટેન્શન અને વર્સોવા-બાંદરા સી-લિન્કનું કામ ચાલી રહ્યું છે; પણ આ પ્રોજેક્ટ્સ ક્યારે પૂરા થશે એની ટાઇમલાઇન આપવી જોઈએ. કામ ખેંચાતું હોવાથી નાગરિકોને ઘણી સમસ્યા નડે છે. વળી જે રસ્તા કૉન્ક્રીટના બનાવવામાં આવે એમાં યુટિલિટી ડક્ટ પહેલાં જ આપવામાં આવે જેથી પછી રોડ તોડવા પડે નહીં. મોગરા નાળાનું કામ પણ પૂરું થવું જોઈએ.
ફાયર-સ્ટેશન
૧૯૯૧ના ડેવલપમેન્ટ પ્લાનમાં અહીં ફાયર-સ્ટેશન બાંધવા માટે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. અહીં ઊંચાં બિલ્ડિંગો બની રહ્યાં છે એટલે મોટું ફાયર-સ્ટેશન હોવું જરૂરી છે.
પોસ્ટ-ઑફિસ
ઓશિવરામાં ૧૯૮૦થી પોસ્ટ-ઑફિસનો પ્લૉટ રિઝર્વ રાખવામાં આવ્યો છે, પણ એ પોસ્ટ-ઑફિસ હજી બાંધવામાં આવી નથી. આ કામ ઝડપથી થવું જોઈએ, કારણ કે પોસ્ટ-ઑફિસના કામ માટે સિનિયર સિટિઝનોને આઝાદનગર સુધી લાંબા થવું પડે છે.
ટ્રેન અને બસ
આ વિસ્તારમાં ઘાટકોપર-અંધેરી મેટ્રો સર્વિસ એની ફુલ ક્ષમતાથી દોડે છે. આમ છતાં ગિરદી રહે છે. મેટ્રો 2A, 7 અને 3ને કારણે આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આથી બમણી ક્ષમતાની ડબલ ડેકર બસો દોડાવવાની જરૂર છે. વર્સોવામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે જેટી બની રહી છે એટલે સાઉથ મુંબઈ જવા માટે જળપ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
હૉસ્પિટલ
કૂપર હૉસ્પિટલ એની પૂર્ણ ક્ષમતા કરતાં પણ વધારે પેશન્ટ્સને સર્વિસ આપે છે એટલે અહીં એક નવી મોટી સરકારી હૉસ્પિટલ બાંધવાની જરૂર છે.
બીજી માગણી
રહેવાસીઓની માગણી છે કે યારી રોડ પર મૅન્ગ્રોવ્ઝને હટાવવામાં આવી રહ્યાં છે, ઝુંપડપટ્ટી વધી રહી છે એટલે લોખંડવાલા લેકમાં ડ્રેજિંગ કરવું જોઈએ અને લોખંડવાલા ટ્રાન્ઝિટ ડમ્પયાર્ડને દૂર કરવું જોઈએ.
કોણ છે ઉમેદવારો?
આ ૧૬૫ વર્સોવા મતવિસ્તારમાં BJPએ ભારતી લવેકરને, ઉદ્ધવ ઠાકરે શિવસેનાએ હારૂન ખાનને અને રાજ ઠાકરેની MNSએ સંદેશ દેસાઈને ટિકિટ આપી છે.