25 July, 2024 07:39 AM IST | Mumbai | Priti Khuman Thakur
બિલ્ડિંગનું ડિમોલિશનનું કામ ચાલુ હોવાથી સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો બ્લૉક કરવામાં આવ્યો છે.
ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર સ્લેટર રોડ પર આવેલા રુબિનિસ્સા મંઝિલ નામના બિલ્ડિંગનો ત્રણ બાલ્કનીનો ભાગ શનિવારે વરસાદમાં તૂટી પડ્યો હતો. એ તૂટી પડવાની દુર્ઘટના પછી આ બિલ્ડિંગના ભાડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ ગઈ છે. શનિવારે બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યા પછી અહીં રહેતા લોકોએ ઘરની સાથે તેમનો કીમતી માલસામાન, ઘરવખરી અને કેટલાક લોકોને વાહનોને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. આ દુર્ઘટનામાં ૮૦ વર્ષનાં પારસી સિનિયર સિટિઝન મહિલા મૃત્યુ પામ્યાં હતાં અને અન્ય ચાર લોકો જખમી થયા હતા. આ બિલ્ડિંગનો બાકીનો જર્જરિત ભાગ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા) દ્વારા તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. એ દરમ્યાન ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો સુરક્ષાની દૃષ્ટિએ થોડા દિવસ બંધ રાખવામાં આવ્યો છે.
સામાન કાઢવા રહેવાસીઓની ભાગદોડ
રુબિનિસ્સા મંઝિલમાં કુલ ૪૯ ભાડૂતો હતા. અનેક ઘર કમર્શિયલ વપરાશ માટે આપ્યાં હતાં. બિલ્ડિંગની દુર્ઘટના બાદ સુરક્ષાના દૃષ્ટિકોણથી બિલ્ડિંગ ડિમોલિશનનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં જવું જોખમી બન્યું હોવાથી રહેવાસીઓ અને દુકાનદારોએ તાત્કાલિક જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. એથી ઘરમાં કે દુકાનમાં રહેલી અગત્યની વસ્તુઓ, ડૉક્યુમેન્ટ્સ વગેરે લેવા રહેવાસીઓ આવી રહ્યા છે. બિલ્ડિંગના રહેવાસીઓ ડિમોલિશનનું કામ કરતા કર્મચારીઓને તેમનો સામાન જ્યાં રાખ્યો છે ત્યાંથી લઈ આવવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા. આ વિશે ત્રીજા માળે ઘર ધરાવતાં નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં અમારું ઘર હોવાથી ઘણો મહત્ત્વનો સામાન અંદર પડ્યો હતો. બીજી વસ્તુઓ તો નહીં મળે, પરંતુ મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ લેવા જરૂરી હોવાથી આવવું પડે છે.’
આ બધાં ટૂ-વ્હીલરને નુકસાન થયું હતું. (તસ્વીર - પ્રીતિ ખુમાણ ઠાકુર)
ફક્ત ડૉક્યુમેન્ટ્સ મેળવ્યા
બિલ્ડિંગની દુર્ઘટના બની ત્યારે બીજા માળે રહેતો પારસી પરિવાર બહારગામ હતો. ગઈ કાલે સવારે જ તેઓ મુંબઈ આવ્યા હતા. આ પરિવારના સચિને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બહારગામ હતા ત્યારે ખબર પડી કે આ બનાવ બન્યો છે. અમારું મોટું ઘર હોવાથી ખૂબ સામાન પડ્યો છે, પરંતુ બધું જતું કરવું પડી રહ્યું છે. અમે ફક્ત ડૉક્યુમેન્ટ્સ લીધા છે. ઘરવખરીથી લઈને અગત્યની અનેક વસ્તુઓ તૂટતી જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. અહીં અમને કહેવાયું છે કે તમારો સામાન ટ્રાઝિટ કૅમ્પમાં રાખો, પણ એ ખૂબ દૂર છે અને અહીંથી લઈ જવો શક્ય પણ નથી.’
બિલ્ડિંગમાં આવેલા ક્લાસિસની બેન્ચો બહાર કાઢવામાં આવી હતી.
મુખ્ય રસ્તો બ્લૉક કરવામાં આવ્યો
ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર નીકળતાંની સાથે જ આ બિલ્ડિંગ આવેલું છે. વેસ્ટમાં પ્રવેશ કરવા માટે આ મુખ્ય માર્ગ છે, પરંતુ હાલમાં બિલ્ડિંગનું ડિમોલિશનનું કામ ચાલુ હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ અહીં પ્રવેશ પર પ્રતિબંધ છે. એથી લોકોએ નાના ચોક ફરીને જવું પડે એમ છે. પોલીસે બન્ને બાજુએ રસ્તો બ્લૉક કરી દીધો છે અને કોઈને અવરજવર કરવા દેતા નથી. બિલ્ડિંગ ડિમોલિશનનું કામ ચાલુ હોવાથી મ્હાડાનો સ્ટાફ અને બિલ્ડિંગ પાડનાર કૉન્ટ્રૅક્ટર ઉપસ્થિત હતા. એથી મ્હાડા અને કૉન્ટ્રૅક્ટરને બિલ્ડિંગ ક્યારે સંપૂર્ણ તોડી પાડવામાં આવશે એ વિશે પૂછતાં તેમણે એક કે દોઢ મહિનો લાગશે એવું જણાવ્યું હતું. અહીં સુરક્ષા-વ્યવસ્થા માટે તહેનાત ગિરગામ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર બાલગુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગ્રાન્ટ રોડ સ્ટેશનની બહાર નાના ચોકના સ્લેટર રોડ પર એ સૌથી વધુ વ્યસ્ત રોડ હોવાથી સુરક્ષા બનાવી રાખવી મહત્ત્વની છે. અહીંથી આખો દિવસ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોવાથી સુરક્ષા-વ્યવસ્થા માટે કેટલો સમય બંધ રહેશે એ ચોક્કસ કહી શકાશે નહીં, પરંતુ થોડા દિવસમાં કદાચ પતરાં લગાવીને રસ્તો અવરજવર માટે ખોલી શકાશે. આ ઉપરાંત રેલવેને પણ જણાવ્યું છે કે લોકોને પ્લૅટફૉર્મ પરથી અવરજવર કરવા દે.’
બિલ્ડિંગના રહેવાસીઓ ઘર ગુમાવ્યા પછી પોતાનો સામાન મેળવવા મજબૂર દેખાઈ રહ્યા છે.
ક્લાસિસની બેન્ચો ટેમ્પોમાં
આ બિલ્ડિંગનો ભાગ પડ્યો એની બાજુમાં સાયન્સ સિમ્પ્લિફાઇડ નામના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસ આવેલા હતા. દુર્ઘટના બની ત્યારે એ બંધ હોવાથી જાનહાનિ થઈ નહોતી, પરંતુ બિલ્ડિંગને તોડી પાડવામાં આવી રહ્યું હોવાથી ક્લાસિસનો બધો સામાન અને વિદ્યાર્થીઓ બેસે છે એ બેન્ચો ત્યાંથી બહાર લાવીને ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવી હતી. દુર્ઘટના વખતે અહીંના જે ચાવાળાની દુકાનનો વિડિયો ખૂબ વાઇરલ થયો હતો એને પણ ખૂબ નુકસાન થયું છે. આમ તો અહીં ખૂબ ગિરદી રહેતી હોય છે, પરંતુ એ વખતે વરસાદને લીધે ભીડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
પોલીસે ગુનો દાખલ કર્યો નથી
ગિરગામ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર દુષ્યંત ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ૧૦૦ વર્ષથી જૂનું સેસ્ડ બિલ્ડિંગ હોવાથી મ્હાડા હેઠળ આવે છે. અત્યાર સુધી કોઈ ફરિયાદ કરવા આગળ ન આવ્યું હોવાથી અમે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધ્યો છે. હાલમાં સુરક્ષા-વ્યવસ્થા માટે ત્યાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.’