કુર્લાનો સાંકડો રોડ આપી રહ્યો છે આફતને આમંત્રણ?

12 December, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભવિષ્યમાં ફરી સોમવાર જેવી કોઈ દુર્ઘટના ન બને એ માટે કુર્લા (વેસ્ટ)ના એસ. જી. બર્વે રોડ પર અટકી પડેલી વિકાસયોજનાઓ પર પ્રશાસનને ધ્યાન આપવાની સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો કરી રહ્યા છે માગ

કુર્લા-વેસ્ટના રેલવે-સ્ટેશન પાસે ૮થી ૧૦ બસો એકસાથે ઊભી રહી શકે એટલો પહોળો રોડ.

કુર્લા (વેસ્ટ)ના એસ. જી. બર્વે રોડ પર આવેલી અંજુમન-એ-ઇસ્લામ સ્કૂલ પાસે સોમવારે રાતના બનેલા અરેરાટીભર્યા બનાવ પાછળ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિકલ સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)ની બસના ડ્રાઇવરની ભૂલ હતી કે બસમાં કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી એનો નિર્ણય કોર્ટમાં જ્યારે આવશે ત્યારે આવશે પણ સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો આવી દુર્ઘટના પાછળ દાયકાઓથી ઉપેક્ષિત શહેરી આયોજનને પણ જવાબદાર ગણી રહ્યા છે.

મહાનગરપાલિકાની ઑફિસની બહાર અને લક્ષ્મણરાવ યાદવ મંડીથી પાર્ક થયેલાં વાહનોને લીધે સાંકડો બની જતો રોડ.

આ બાબતની માહિતી આપતાં એસ. જી. બર્વે માર્ગના રહેવાસીઓ અને દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, ફેરિયાઓ અને ફુટપાથ પરનાં અતિક્રમણોની સાથે વધી રહેલાં વાહનોએ ગીચતા વધારી દીધી છે. એની સામે એસ. જી. બર્વે માર્ગને પહોળો કરવા અને લક્ષ્મણરાવ યાદવ મંડીથી કુર્લા સ્ટેશન અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી માટે પ્રસ્તાવિત ડેવલપમેન્ટ પ્લાન (DP) ૪૦ વર્ષથી વધુ સમયથી અમલમાં નથી આવ્યો, જેને કારણે અમુક ભાગમાં રોડ સાંકડો બની જાય છે અને ત્યાં વાહનો અને રાહદારીઓની ભીડ વધી જાય છે. જો આ રોડ અને ફુટપાથ પર અતિક્રમણ ન હોત તો રાહદારીઓ સુરક્ષિત રીતે ફુટપાથનો ઉપયોગ કરી શક્યા હોત અને અકસ્માતનો ભોગ બનતાં કદાચ બચી ગયા હોત. આ રોડ પર રસ્તાની બાજુમાં સ્લમ, હૉકર્સ અને ગેરકાયદે પાર્કિંગે રસ્તાની મહત્ત્વપૂર્ણ જગ્યાઓ પર કબજો કરી લીધો છે જેને લીધે રોડ પર જોખમી ભીડ થાય છે. જોકે સોમવારની દુર્ઘટના પછી આ રોડ પરથી બસો દોડાવવાનું બંધ કરવામાં આવ્યું છે અને ફેરિયાઓ પણ હટી ગયા છે જેને લીધે બે દિવસથી રોડ પર ગીચતા દેખાતી નથી, પણ આગળ જતાં આ રોડ પર થતી ગીચતાને દૂર કરવા માટે તાત્કાલિક અમલમાં આવી રીતે અટકી પડેલી વિકાસની યોજનાઓ પ્રશાસને પૂરી કરવાની જરૂર છે.’

કુર્લા (વેસ્ટ)માં આંબેડકરનગર પાસે રોડ પહોળા થયા પછી રોડ પર પાર્ક કરવામાં આવેલાં વાહનો.

મહાનગરપાલિકા શું કહે છે?

કુર્લા (વેસ્ટ)ના એસ. જી. બર્વે રોડ અને અન્ય વિસ્તારોને આવરી લેતા મહાનગરપાલિકાના L- વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ધાનાજી હેરલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે જે બસ-અકસ્માત થયો એ અમારા માટે એક આશ્ચર્યજનક અને શૉકિંગ બનાવ છે. રેલવે-સ્ટેશનથી એસ .જી. બર્વે રોડ પર એટલી બધી ગિરદી હોય છે કે આ રોડ પર કોઈ પણ વાહન ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધારે વાહન ચલાવી શકે એમ નથી. આ રોડ પરનાં અતિક્રમણો, ફેરિયાઓ, ગીચતા, ગેરકાયદેસર પાર્કિંગને હટાવવા માટે મહાનગરપાલિકા ઘણા સમયથી સક્રિય છે. આ વિસ્તારના સ્લમ રીડેવલપમેન્ટ ઑથોરિટી (SRA)ના પ્રોજેકટો પૂરા થતાં જ રસ્તા પહોળા થઈ જશે, જેના માટે અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ. ફેરિયાઓને હટાવવા માટે મહાનગરપાલિકા કોર્ટમાં લડી રહી છે અને જેમ બને એમ જલદી હૉકિંગ અને નૉન-હૉકિંગ ઝોનની યોજના પર કામ કરવામાં આવશે. આ વિસ્તારમાં આવેલી ઇમારતો બહુ જૂની હોવાથી પાર્કિંગની સુવિધાઓ બહુ જ ઓછી છે. જેમ-જેમ ઇમારતો નવી બનતી જશે એમ રોડ પરથી પાર્કિંગ ઓછું થઈ જશે અને રોડ પહોળા બની જશે. સમયની માગ સાથે મુંબઈમાં વાહનો પણ વધી રહ્યાં છે, જેથી રોડ પર વાહનોની ભીડ જમા થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવતાં સમય જશે.’

 

mumbai news mumbai kurla road accident mumbai traffic brihanmumbai municipal corporation