03 January, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તનથી વિરાર વચ્ચે પંચાવન કિલોમીટર લાંબી સી-લિન્ક બનાવવાનો નિર્ણય લીધો છે. આ યોજના માટેનો સવિસ્તર રિપોર્ટ અંતિમ તબક્કામાં છે. યોજનાનો આ રિપોર્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ ગયા બાદ આગામી ૧૫ દિવસમાં એ સરકારમાં મંજૂરી મેળવવા માટે મોકલવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.
મુંબઈની ટ્રાફિકની ગંભીર બની ગયેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને લોકો ઝડપથી એકથી બીજા સ્થળે જઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા સી-લિન્ક અને કોસ્ટલ રોડ બાંધવામાં આવી રહ્યાં છે. દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવથી બાંદરા-વરલી સી-લિન્ક સુધીના કોસ્ટલ રોડનું કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કર્યું છે અને હવે બાંદરાથી વર્સોવા સુધીના કોસ્ટલ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આવી જ રીતે વર્સોવાથી ઉત્તન સુધી MMRDA દ્વારા સી-લિન્કનું કામ કરવામાં આવી રહ્યું છે. MMRDA જ ભાઈંદરના ઉત્તનથી વિરાર સુધીના પંચાવન કિલોમીટર લંબાઈના સી-લિન્ક રોડની યોજના બનાવવામાં આવી છે. આ યોજનાના બીજા તબક્કામાં વિરારથી પાલઘર સુધી સી-લિન્ક બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ વિરારથી નરીમાન પૉઇન્ટ સુધી વાહનમાર્ગે સડસડાટ પહોંચી શકાશે.