એપ્રિલમાં શરૂ થશે એપીએમસીના રસ્તાઓ અને ગટરોનું નૂતનીકરણ

01 March, 2024 10:56 AM IST  |  Navi Mumbai | Rohit Parikh

અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે : કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી માર્કેટની હાલતમાં તસુભરનો પણ સુધારો થતો નથી એવી વેપારીઓની ફરિયાદો સામે નવી મુંબઈના વાશીની એપીએમસીના અધિકારીએ કહ્યું કે અમે વેપારીઓની સેવા કરવા જ બેઠા છીએ

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલી મસાલા બજારની ‘ડી’ વિંગના ગાળા-નંબર ૬૪ પાસે પડેલો ખાડો અને દાણાબજારના કથળી ગયેલા બિસમાર રસ્તા.

નવી મુંબઈસ્થિત મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની મસાલાબજાર અને દાણાબજારના રોડ અને ગટરોની નૂતનીકરણની લાંબા સમયની વેપારીઓની માગ પછી પણ ફન્ડ ન હોવાથી આ કામો થતાં નથી એવી જાણકારી ચોમાસામાં એ સમયના એપીએમસીના સેક્રેટરીએ આપી હતી. જોકે ગઈ કાલે એપીએમસીનાં જાળવણી કાર્યો સંભાળી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘રોડ અને ગટરોના નૂતનીકરણ માટેનું ટેન્ડર નીકળી ગયું છે અને હવે ચોક્કસ એપ્રિલ મહિનામાં નૂતનીકરણ શરૂ થઈ જશે અને વેપારીઓને રાહત થશે. જો અમે વેપારીઓની સમસ્યાઓનું નિરાકરણ નહીં કરીએ તો અહીં બેસીને ફાયદો શું છે?’

એપીએમસીના બિસમાર અને કથળી ગયેલા રોડના નૂતનીકરણ માટે આ પહેલાં આ મહિનામાં મળેલી માથાડી કામગારો અને વેપારીઓની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે આવી વર્ષોથી થઈ રહેલી મીટિંગો અને માથાડી અને વેપારીઓની આંદોલન કરવાની ધમકી પછી પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી માર્કેટની હાલતમાં તસુભરનો પણ સુધારો થતો નથી. વેપારીઓ તેમના બિઝનેસમાં વ્યસ્ત હોવાથી આંદોલન કરતા નથી અને એપીએમસી દર વખતે ખોટા વાયદાઓ કરીને પલડું ઝાડી દેતી હોય છે, જેને લીધે આ માર્કેટ પર સતત દુર્લક્ષ સેવાય છે. સરકાર પાસે પણ સળગતા પ્રશ્નોની રજૂઆત કરવા છતાં અને એપીએમસી માર્કેટ બેમુદત બંધ રાખવામાં આવશે એવો સંકેત વારંવાર આપવા છતાં સરકારના પેટનું પણ પાણી હલતું નથી. 

એપીએમસી માર્કેટમાં અનેક સરકારી કાયદાઓ લાગુ પડે છે જેને કારણે વેપારીઓના માથે આર્થિક બોજો વધી રહ્યો છે, પણ સુવિધાના નામે અહીં ઝીરો છે એવી જાણકારી આપતાં મૂડીબજારના અગ્રણી વેપારી અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિરોધ પછી પણ સરકાર એપીએમસીની બહાર કોઈ પણ જાતની રોકટોક વગર એપીએમસીના કાયદાના નિયંત્રણ વગર ચાલી રહેલા વ્યાપારો સામે નિયંત્રણ લાવવા તૈયાર નથી. આની એપીએમસીના વેપારીઓના બિઝનેસ પર અસર થાય છે. વર્ષોથી માર્કેટના રીડેવલપમેન્ટ કે રિનોવેશન માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મુદ્દે અગાઉ પણ એપીએમસી માર્કેટના વેપારીઓ અને માથાડી કામદારો માર્કેટ બંધ રાખી ચૂક્યા છે, પરંતુ સરકાર પર એની કોઈ જ અસર થતી નથી.’

અમે અમારા રોડ અને ગટરોના નૂતનીકરણની અનેક વાર એપીએમસીના સંચાલકો પાસે માગણી કરી છે એમ જણાવતાં ધ ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી વારંવારની ફરિયાદો અને આંદોલનની ધમકી પછી રોડ અને ગટરોની જાળવણી શરૂ કરવામાં આવે છે, પણ મામલો શાંત થતાં જ રાત ગઈ બાત ગઈની જેમ ખાડાવાળા રોડ અને ઊભરાતી ગટરો યથાવત્ રહી જાય છે.’

જોકે વેપારીઓની આ ફરિયાદો સામે એપીએમસીના નવા સેક્રેટરી ગઈ કાલે હૉસ્પિટલમાં હોવાથી એક અન્ય અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અહીં વેપારીઓની સમસ્યાના નિરાકરણ માટે જ બેઠા છીએ. અમે તેમની સેવા નહીં કરીએ તો કેમ ચાલશે? અમને હવે સરકાર તરફથી અને સંબંધિત વિભાગ તરફથી રોડ અને ગટરોના નૂતનીકરણ માટે મંજૂરી મળી ગઈ છે. અત્યારે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે જે મિડલ ઑફ માર્ચમાં પૂરી થઈ જશે. એ પૂરી થતાં જ એપ્રિલ મહિનાથી રોડ અને ગટરનાં કામોની શરૂઆત થઈ જશે.’

rohit parikh navi mumbai apmc market mumbai news mumbai mumbai transport