12 May, 2023 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh)ને મોટી રાહત આપી છે. પરમબીર સિંહ સામેના તમામ આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ સાથે રાજ્ય સરકારે ડિસેમ્બર 2021માં જાહેર કરાયેલા સસ્પેન્શનના આદેશો પણ રદ કર્યા અને કહ્યું કે તે સસ્પેન્શન દરમિયાન ફરજ પર હતો. નોંધપાત્ર વાત એ છે કે, પરમબીર સિંહ ખંડણી, ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના અનેક કેસોનો સામનો કરી રહ્યા હતા.
એન્ટિલિયા પાસે મળી આવેલા બોમ્બના કેસમાં કથિત અનિયમિતતાઓને કારણે 17 માર્ચ 2021ના રોજ પરમબીર સિંહને મુંબઈ પોલીસ (Mumbai Police)ના કમિશનર પદેથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમને હોમગાર્ડ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. સીબીઆઈએ પરમબીર સિંહ સામેના આ આરોપોની તપાસ હાથ ધરી હતી અને પાંચ અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસ નોંધ્યા હતા.
1988 બેચના અધિકારી પરમબીર સિંહ તેમની 32 વર્ષની સેવા દરમિયાન મુંબઈના કેટલાક ઝોનના ડીસીપી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મુંબઈમાં હાઈપ્રોફાઈલ ગણાતા વેસ્ટર્ન રિજનના એડિશનલ કમિશનરનું પદ પણ સંભાળી ચૂક્યા છે. પરમબીર સિંહ ચંદ્રપુર જિલ્લા અને ભંડારા જિલ્લાના એસપી રહી ચૂક્યા છે.
પરમબીર સિંહ એટીએસમાં ડેપ્યુટી આઈજીનું પદ પણ સંભાળી ચુક્યા છે. મહારાષ્ટ્રના કાયદો અને વ્યવસ્થાના એડિશનલ ડીજીપી રહી ચૂક્યા છે. મુંબઈ નજીકના થાણે જિલ્લાના પોલીસ કમિશનર હતા ત્યારે પરમબીર સિંહ અને તેમની ટીમે ઘણા ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો.
પરમબીર સિંહ વર્ષ 2021માં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો કે સચીન વઝેને ગૃહપ્રધાન અનિલ દેશમુખ દ્વારા દર મહિને 100 કરોડ રૂપિયા એકઠા કરવા માટે કહેવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે મળી આવેલા વિસ્ફોટક કેસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચીન વઝેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પોલીસ ભરતીની પરીક્ષામાં ‘મુન્નાભાઈ’ સ્ટાઇલથી કૉપી કરનારની થઈ ધરપકડ
સરકારના સંયુક્ત સચિવ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, “અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969ના નિયમ 8 હેઠળ પરમબીર સિંહ IPS (નિવૃત્ત) સામે જાહેર કરાયેલ 02/12/2021ના રોજ મેમોરેન્ડમ ઑફ ચાર્જીસ, પાછો ખેંચવામાં આવે છે અને આ કેસ બંધ કરવામાં આવે છે.”