૫૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપશે રિલાયન્સ ફાઉન્ડેશન

07 September, 2023 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધીરુભાઈની ૯૦મી જન્મતિથિ પર રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણીએ આ સ્કૉલરશિપ કાર્યક્રમની જાહેરાત કરી

પ્રતીકાત્મક તસવીર

ભારતની સૌથી મોટી શૈક્ષણિક ઝુંબેશ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૉલરશિપ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૩-૨૪માં કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ ​મેળવનારા ૫૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવામાં આવશે. કૉલેજના પ્રથમ વર્ષના તમામ શાખાના વિદ્યાર્થીઓ ૧૫ ઑક્ટોબર ૨૦૨૩ સુધી અરજી કરી શકશે. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીને વિશ્વાસ હતો કે યુવા પેઢીના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કરવામાં આવેલું રોકાણ એ મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમના આ જ વિઝનને આગળ વધારતાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૉલરશિપ ઉચ્ચતર શિક્ષણ દ્વારા યુવા પેઢીની ક્ષમતાઓને વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. ધીરુભાઈની ૯૦મી જન્મતિથિ પર રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણીએ આ સ્કૉલરશિપ કાર્યક્રમની જાહેરાત સાથે આવનારાં ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને એમના ઉજ્જ્વળ ભાવિ માટે સહાય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સ્કૉલરશિપમાં મેરિટ પ્રમાણે એવા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે, જેઓ ઉચ્ચ શિક્ષણ કોઈ ​પણ પ્રકારની આર્થિક સમસ્યા વગર પૂર્ણ કરી શકશે.

૧૯૯૬થી ધીરુભાઈ અંબાણી સ્કૉલરશિપ અને રિલાયન્સ ફાઉન્ડેશને ૧૮,૦૦૦ યુવાનોને સહાય કરી છે, જેમાંથી ૫૧ ટકા યુવતીઓ છે અને ૨૮૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. ૨૦૨૨-’૨૩ના રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૉલરશિપ કાર્યક્રમ અંતર્ગત ૧ લાખ વિદ્યાર્થીઓએ રસ બતાવ્યો હતો, જેમાંથી આશરે ૪૦,૦૦૦ અરજીઓ તપાસી આખરે ૫૦૦૦ને તેમની યોગ્યતાને આધારે પસંદ કરાયા હતા. 

reliance nita ambani mukesh ambani mumbai mumbai news