ટાટા મુંબઈ મેરેથોન માટે શરૂ થયું રજિસ્ટ્રેશન, જાણો તમામ વિગતો અહીં

15 August, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રની સ્પોર્ટિંગ ક્ષિતિજમાં દાખલારૂપ આ મેરેથોને સામાજિક અને આર્થિક રીતે સકારાત્મક પ્રભાવ પાડ્યો છે

તસવીર: પીઆર

વર્ષ 2004માં શરૂ થયેલી ટાટા મુંબઈ મેરેથોન (Tata Mumbai Marathon 2025)ની ઐતિહાસિક 20મી આવૃત્તિ માટે રજિસ્ટ્રેશન 14મી ઑગસ્ટે સવારે 7 વાગ્યાથી www.tatamumbaimarathon.procam.in  પર શરૂ થયું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી રવિવાર, 19મી જાન્યુઆરી, 2025ના રોજ તેને લીલી ઝંડી બતાવવામાં આવશે. એશિયાની સૌથી પ્રતિષ્ઠિત આ મેરેથોનની પ્રમોટર પ્રોકેમ ઈન્ટરનેશનલ દ્વારા રજિસ્ટ્રેશન શરૂ થયાની ઘોષણા મંગળવારે રાત્રે નરીમન પોઈન્ટ ખાતે ટ્રાઈડેન્ટ હોટેલમાં એક ઉષ્માભર્યા કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આ અવસરે કૉર્પોરેટ્સ, ઉદ્યોગ, રાજકારણ સહિતનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર હતા.

એશિયાની સૌથી પ્રતિષ્ઠિત મેરેથોનમાં સ્થાન ધરાવતી પ્રોકેમ ઈન્ટરનેશનલ દ્વારા પ્રમોટ કરાતી ટાટા મુંબઈ મેરેથોન (Tata Mumbai Marathon 2025)ની નોંધણી બુધવારથી શરૂ થઈ ચૂકી છે. આ વિશે રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા મંત્રી છગન ભુજબળે જણાવ્યું હતું કે, “આ મેરેથોન મુંબઈનો મહોત્સવ બની ચૂકી છે. 2008માં મુંબઈ પર આતંકવાદી હુમલા ગણતરીના દિવસોમાં યોજાયેલી મેરેથોનમાં સેંકડોની સંખ્યામાં રનરોએ ભાગ લઈને અને જોવા માટે લાખ્ખોની સંખ્યામાં મુંબઈગરાએ રસ્તા પર ઊતરીને આવા હુમલાથી અમને કોઈ પીછેહઠ નહીં કરાવી શકે એ બતાવી દીધું હતું.”

વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે, “આ મેરેથોન (Tata Mumbai Marathon 2025) એકત્ર ભારત અને આપણી વૈવિધ્યતાની પરિવર્તનકારી શક્તિનો જોશ ઉત્તમ રીતે દર્શાવે છે, જેથી દરેક માટે આ સીમાચિહનરૂપ અવસર છે. બે દાયકાથી સફળતાથી આયોજન કરનારને હું અભિનંદન આપું છું. મારા મતવિસ્તાર કોલાબામાં સર્વ હિસ્સાધારકોનું સ્વાગત છે.”

શિક્ષણ મંત્રી દીપક કેસરકરે જણાવ્યું હતું કે, “અમે મુંબઈ ફેસ્ટિવલ યોજી રહ્યા છીએ. આયોજકોએ તેને સફળ બનાવવા માટે મુંબઈ ફેસ્ટિવલ દરમિયાન ટાટા મુંબઈ મેરેથોન યોજવાનું વિચારવું જોઈએ. ટાટા સન્સના બ્રાન્ડ અને માર્કેટિંગના હેડ એડ્રિયન ટેરને જણાવ્યું હતું કે દુનિયાભરમાં આ વ્યાપક ચળવળ બની ચૂકી છે. આ મેરેથોનમાં 30 ટકાથી વધુ મહિલાઓનો સહભાગ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.”

ટીસીએસના એવીપી અને કન્ટ્રી હેડ ઉજ્જવલ માથુરે જણાવ્યું હતું કે, “સ્પોર્ટિંગ ઈવેન્ટ તરીકે શરૂ થયેલો આ ઉપક્રમ આજે મુંબઈના બુલંદ જોશનું શક્તિશાળી પ્રતીક તરીકે ઊભરી આપ્યો છે. આઈડીએફસી ફર્સ્ટ બેન્કના સીએમઓ નારાયણ ટીવીએ જણાવ્યું હતું કે વિશેષ સહયોગી ભાગીદાર તરીકે સ્વસ્થ જીવન તરફ પ્રથમ પગલું લેનાર દરેક રનરની અમે ઉજવણી કરીશું.”

દરમિયાન પ્રોકેમ સાથે ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ એન્ડ મેનેજમેન્ટે મેરેથોનના સ્વાસ્થ્ય સામાજિક, આર્થિક અને સક્ષમતાના પ્રભાવ પર વિશેષ અહેવાલ બહાર પાડ્યો હતો. તે અનુસાર મેરેથોનથી રૂા. 295 કરોડનો આર્થિક અને રૂા. 72 કરોડનો સામાજિક પ્રભાવ પડ્યો છે. ભારતમાં દાતાઓ માટે આ સૌથી વિશાળ મંચ છે. 2025માં 268 એનજીઓએ વિવિધ કાજ માટે રૂા. 72 કરોડ ઊભા કર્યા હતા. 179 કંપનીની 267 ટીમોએ 91 એનજીઓને રૂા. 22.76 કરોડનું યોગદાન આપ્યું છે. 62 ટકા સહભાગીએ કહ્યું કે, ટેકનોલોજીએ તેમનો રનિંગનો દેખાવ બહેતર બનાવ્યો છે. 25 ટકાએ ટેકમાં રૂા. 50,000થી વધુ રોકાણ કર્યું. 61 ટકા બહારી સ્પર્ધકોએ 3 સ્ટાર હૉટેલમાં મુકામ કર્યો છે. 85 ટકા સહભાગીઓ ઈવેન્ટના 90 દિવસ પૂર્વે તબીબી તપાસ કરાવે છે. 70 ટકા સક્રિય રીતે ચોક્કસ સ્વાસ્થ્યનાં લક્ષ્યો હાંસલ કરે છે, જ્યારે 54 ટકા તેમના ડાયટ માટે વ્યાવસાયિક કન્સલ્ટેશનમાં રોકાણ કરે છે. 67 ટકાને દવા નહીં લેવાથી લાભ થયો અથવા દવાઓ ઓછી કરવી પડી.”

ઉલ્લેખનીય છે કે, એમેચર 30 નવેમ્બર સુધી નોંધણી કર શકશે. હાફ મેરેથોનની 23 ઓગસ્ટ શરૂ થઈને 13 સપ્ટેમ્બર સુધી, 10કે ચેરિટી માટે ખાસ રિઝર્વ્ડ છે. તે 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ચાલશે. ચેરિટી રનિંગ સ્પોટમાં 10કે 13 ડિસેમ્બર સુધી નોંધણી કરી શકાશે. ડ્રીમ રન માટે 5 નવેમ્બરે નોંધણી ખૂલીને 25 નવેમ્બર સુધી ચાલશે. સિનિયર સિટિઝન રન અને ચેમ્પિયન્સ વિથ ડિઝેબિલિટી 27 ઑગસ્ટે ખૂલીને 25 નવેમ્બરે બંધ થશે. વર્ચ્યુઅલ મેરેથોન માટે 8 જાન્યુઆરી સુધી નોંધણી કરી શકાશે.

મેરેથોનને મહારાષ્ટ્ર સરકાર, રમતગમત મંત્રાલય, વિદેશી બાબતનું મંત્રાલય, ગૃહ બાબતોનું મંત્રાલય, સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ઈન્ડિયા, એથ્લેટિક ફેડરેશન ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન એથ્લેટિક્સ, મુંબઈ પોલીસ, ભારતીય લશ્કર, નૌકાદળ, મહાપાલિકા, ભારતીય રેલવે, રાજભવન, વર્લ્ડ એથ્લેટિક્સ, એસોસિયેશન ઑફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ ઍન્ડ ડિસ્ટન્સ રેસીસ અને ગ્લોબલ સ્પોર્ટસ કમ્યુનિકેશનનો ટેકો છે.

mumbai marathon tata ratan tata mumbai news mumbai news