શહેરના મતદારોની ઉદાસીનતા ચિંતાનો વિષય છે

29 September, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામીણ વિસ્તાર કરતાં મુંબઈ સહિતનાં મોટાંથી લઈને બીજા નંબરનાં શહેરોમાં ઓછું મતદાન થઈ રહ્યું હોવાનું મુખ્ય કેન્દ્રીય ચૂંટણી-કમિશનર રાજીવ કુમારે કહ્યું

ગઈ કાલે પ્રેસને સંબોધવા આવેલા ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર, ઇલેક્શન કમિશનર સાનેશકુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુ. (તસવીર- અનુરાગ અહિરે)

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ત્રણ દિવસ ચૂંટણીની તૈયારી તપાસવા માટે મુંબઈમાં હતી. સંબંધિત વિભાગો અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ ગઈ કાલે મુખ્ય કેન્દ્રીય ચૂંટણી-કમિશનરે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને મીડિયા સાથે ચૂંટણીસંબંધી માહિતી શૅર કરી હતી. એમાં મુખ્ય ચૂંટણીકમિશનરે કહ્યું હતું કે શહેરના મતદારોની ઉદાસીનતા ચિંતાનો વિષય છે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારની જેમ શહેરમાં પણ મતદાનની ટકાવારી વધે એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય કેન્દ્રીય ચૂંટણી-કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ‘મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં કોલાબા અને થાણેમાં કલ્યાણની બેઠકમાં સૌથી ઓછું મતદાન થયું હતું. મતદાનના દિવસે જાહેર રજા હોવાની માહિતી ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગે અસંગઠિત ક્ષેત્ર અને એમાં કામ કરનારાઓને આપવી જોઈએ. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કે એ પહેલાં ફેક ન્યુઝ અને સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓ પર સખત હાથે કામ લેવામાં આવશે. બે દિવસમાં અમે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ઉપરાંત પોલીસ સહિત પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે દિવાળી, દેવદિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો નક્કી કરશો. 

આંકડાબાજી
૯.૫૯- મહારાષ્ટ્રમાં આટલા કરોડ કુલ મતદાર

૪.૯૫ - આટલા કરોડ પુરુષ મતદાર
૪.૬૪ - આટલા કરોડ મહિલા મતદાર
૫૯૯૭ - આટલા હજાર તૃતિયપંથી મતદાર
૬.૩૨- આટલા લાખ દિવ્યાંગ મતદાર

૧૨.૪૮- આટલા લાખ ૮૫ કરતાં મોટી ઉંમરના મતદાર
૧૯.૪૮- આટલા લાખ યુવા પહેલી વખત મતદાન કરશે
૧,૦૦,૧૮૬- રાજ્યમાં કુલ આટલાં મતદાન-કેન્દ્ર
૪૨,૫૮૫- શહેરોમાં આટલાં મતદાન-કેન્દ્ર
૫૭,૬૦૧- ગ્રામીણ વિસ્તારમાં આટલાં મતદાન-કેન્દ્ર
૧૧૮૧- આટલાં મતદાન-કેન્દ્ર હાઇરાઇઝ બિલ્ડિંગોમાં હશે

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections election commission of india