30 March, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવારની ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાને ૧૫ દિવસ થઈ ગયા છે તો પણ હજી સુધી રાજ્યની સત્તાધારી મહાયુતિમાં બેઠકોની સમજૂતી કરવામાં નથી આવી. ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની મોટા ભાગની લોકસભાની બેઠકોનો નિર્ણય લેવાઈ ગયો છે અને તેમણે ઉમેદવારોનું લિસ્ટ જાહેર પણ કરી દીધું છે, પણ અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકોનો મામલો હજી સુધી લટકેલો છે. NCPની વોટબૅન્ક મરાઠા છે અને તેમના કારણે જ બેઠકોની સમજૂતી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી કરવા માટેના આંદોલનને લીધે માહોલ હજી ગરમ છે ત્યારે NCP કે BJP કોઈ ચાન્સ લેવા ન માગતા હોવાનું જાણવા મળ્યું છે. બીજું, અજિત પવારે ૯ બેઠકની માગણી કરી છે, પણ તેમને ૬ બેઠક આપવાની તૈયારી BJPએ બતાવી છે. આમાંથી બારામતી, રાયગડ, શિરુર, પરભણી બેઠકોમાં સમજૂતી થઈ છે; પણ સાતારા અને ધારાશિવની બેઠકમાં BJP ઘડિયાળને બદલે કમળના સિમ્બૉલ પર ચૂંટણી યોજવા માગે છે એટલે પણ અંતિમ નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.