22 June, 2024 07:36 AM IST | Mumbai | Rajendra B Aklekar
કૉન્ગ્રેસના નેતા નાના પટોલેએ મુંબઈમાં અટલ સેતુના અપ્રોચ રોડનું નિરીક્ષણ કર્યું હતું.
ભારતનો સૌથી લાંબો સી-બ્રિજ અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) ઉદ્ઘાટનના ચાર મહિનામાં જ તિરાડોને કારણે વિવાદમાં મુકાઈ ગયો છે. ઉલવે નજીક નવી મુંબઈના છેડે અટલ સેતુના અપ્રોચ રોડમાં ક્રૅક જોવા મળતાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સ્થળની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. જોકે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કહેવા મુજબ આ ક્રૅક નાની છે અને ટ્રાફિક બાધિત કર્યા વગર એક જ દિવસમાં આ સમસ્યા ઉકેલવામાં આવશે.
૨૧.૮ કિલોમીટર લાંબો અટલ સેતુ ૧૭,૮૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી ૨૦૨૪માં આ સી-બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. નાના પટોલેએ અટલ સેતુનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે ‘આ અત્યંત ચિંતાજનક કહેવાય કે મોદીએ ત્રણ મહિના પહેલાં જેનું ઉદ્ઘાટન કર્યું છે એ અટલ સેતુમાં તિરાડ પડી ગઈ છે. મેં બ્રિજની મુલાકાત લીધી હતી. રસ્તા પર મોટી સંખ્યામાં તિરાડો પડેલી દેખાતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે. બિહારમાં તાજેતરમાં એક નવનિર્મિત પુલ તૂટી પડ્યો હતો અને હવે અટલ સેતુમાં નુકસાન દેખાઈ રહ્યું છે એટલે સરકારની કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. હાઈ કોર્ટે આ ગંભીર મામલાની તાત્કાલિક નોંધ લઈને તપાસ શરૂ કરવી જોઈએ.’
અટલ સેતુના અપ્રોચ રોડ પર રિપેરિંગ ચાલી રહ્યું છે.
દરમ્યાન MMRDAએ આ આરોપોને નકારતાં એવી સ્પષ્ટતા કરી હતી કે ‘એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે MTHL બ્રિજ પર તિરાડ પડી ગઈ છે. આ તિરાડો બ્રિજ પર નહીં, ઉલવેથી મુંબઈ તરફ MTHLને જોડતા અપ્રોચ રોડ પર છે. આ તિરાડો કોઈ માળખાકીય ખામીને કારણે નથી. ૨૦ જૂને ઑપરેશન અને મેઇન્ટેનન્સ ટીમની તપાસ દરમ્યાન રૅમ્પ (મુંબઈ તરફનો રૅમ્પ) પર ત્રણ સ્થળોએ રોડની સપાટી પર નાની તિરાડો જોવા મળી હતી. આ તિરાડો નાની છે અને રોડના કિનારે છે એટલે ટ્રાફિકમાં કોઈ વિક્ષેપ વિના ૨૪ કલાકમાં જ એનું સમારકામ થઈ જશે.’