25 August, 2024 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા મુંબઈગરાએ ગઈ કાલે વરસાદે પાછી જમાવટ કરતાં રાહતનો શ્વાસ લીધો હતો અને ગઈ કાલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ મુંબઈમાં ભારે ઝાપટાં પડતાં રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે અને યલો અલર્ટ જાહેર કરી છે. જ્યારે આજે રાયગડમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ અલર્ટ તેમ જ પાલઘર, થાણે અને રત્નાગિરિમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં પણ હળવાંથી મધ્યમ ઝાપટાં પડી રહ્યાં છે જેને કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોના ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં જળાશયોમાં હવે ૯૫ ટકા જેટલાં પાણીની આવક થઈ ગઈ છે. એથી મોટા ભાગે આ વર્ષે મુંબઈગરાને હવે પાણી-કાપનો સામનો નહીં કરવો પડે. સાત જળાશયો મળીને કુલ ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર પાણીની ક્ષમતા છે, એમાંથી ગઈ કાલે સવાર સુધીમાં ૧૩,૭૮,૮૩૪ મિલ્યન લિટર પાણીનો સ્ટૉક જમા થઈ ગયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યા સુધી સાંતાક્રુઝમાં ૪૬.૯ મિલિમીટર અને કોલાબામાં ૧૬.૮ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.