26 January, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: સતેજ શિંદે
વેસ્ટર્ન રેલવેમાં બાંદરા અને માહિમ વચ્ચે મીઠી નદી પર આવેલાં વર્ષો જૂના બ્રિજના પિલર જે લોખંડના છે એને કૉન્ક્રીટના કરવાનું કામ હથ ધરાયું છે અને એ માટે ૨૪, ૨૫ પછી આજે ૨૬ તારીખે પણ રાતે સ્પેશ્યલ બ્લૉક લેવામાં આવ્યો છે. એ બ્રિજની ઉપરથી સ્લો અને ફાસ્ટ એમ બન્ને લેન પસાર થતી હોવાથી વારાફરતી કામ થઈ રહ્યું છે. વેસ્ટર્ન રેલવેના એન્જિનિયરો અન્ય સ્ટાફ સાથે યુદ્ધના ધોરણે આ કામ કરી રહ્યા છે. જોકે એના કારણે ૨૭૭ જેટલી લોકલ ટ્રેનો કૅન્સલ થઈ છે અને દિવસ દરમ્યાન પણ સ્લો અને ફાસ્ટ ટ્રેનો એક જ લેન પરથી દોડાવવામાં આવતાં પૅસેન્જરોએ પરેશાની ભોગવવી પડી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ૧૫થી ૨૦ મિનિટ ટ્રેન દોડી રહી છે એમ કહેવાયું છે, જ્યારે ઘણી ટ્રેનો અડધો કલાક કરતાં પણ મોડી દોડી રહી હતી એમ પૅસેન્જરોનું કહેવું હતું. ટ્રેનો લેટ દોડતી હોવાથી દરેક સ્ટેશન પર મોટી સંખ્યામાં પૅસેન્જરો જમા થઈ ગયા હતા અને પરિવાર સાથે નીકળેલા લોકોની હાલત ચિક્કાર ગિરદીને કારણે કફોડી થઈ ગઈ હતી.