RBIને રશિયનમાં મળી બોમ્બની ધમકી, મુંબઈ પોલીસે હાથ ધરી તપાસ

13 December, 2024 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

RBI Bomb Threat: ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર રશિયન ભાષામાં આવ્યો, મુંબઈ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની શાળાઓને ધમકી (Delhi Schools Bomb Threat) આપ્યા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India - RBI)ને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી બાદ ખળભળાટ મચી ગયો છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર એક ઈમેલ (RBI Bomb Threat) આવ્યો છે, જેમાં રશિયન ભાષામાં ધમકી આપવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળી છે. ગુરુવારે ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ફૂંકી મારવાની વાત કરવામાં આવી હતી. આ મામલે મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા માતા રમાબાઈ માર્ગ (MRA Marg) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મેઈલ રશિયન ભાષામાં હોવાથી એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે.

ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેશે. મુંબઈ પોલીસે કહ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

આરબીઆઈને કોઈએ જાણીજોઈને હેરાન કરવાના ઈરાદાથી મેઈલ મોકલ્યો છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે. કોઈએ VPN દ્વારા મેઇલ મોકલ્યો નથી, તેથી IP એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) પણ સામેલ છે અને નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. ધમકી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના સીઈઓ તરીકે આપી હતી. તેણે સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. બાદમાં ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રિક કાર તૂટી ગઈ છે તેમ કહીને ફોન બંધ કરી દીધો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વિમાનો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઘણા ધમકીભર્યા ફોન અને મેઈલ આવી રહ્યા છે. આજે એટલે કે ૧૩મી ડિસેમ્બરે પણ દિલ્હીની છ શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો, જેના પછી વિવિધ એજન્સીઓએ શાળાના પરિસરમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. શાળા પ્રશાસને વાલીઓને સંદેશ મોકલીને વિનંતી કરી હતી કે તેઓ તેમના બાળકોને શાળાએ ન મોકલે. અગાઉ ૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ દિલ્હીની ઓછામાં ઓછી ૪૪ શાળાઓને એક સમાન ઈમેઈલ્સ મળ્યા હતા. તપાસ બાદ પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી.

reserve bank of india bomb threat mumbai police mumbai mumbai news crime branch maharashtra news