ભરવરસાદમાં પણ હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થઈ જૈનોની રથયાત્રા

16 September, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી સંખ્યામાં ભાવિકો ભરવરસાદમાં પણ હર્ષોલ્લાસપૂર્વક જોડાયા હતા

કાંદિવલીમાં વરસાદમાં છત્રીના સહારે બગીમાં ભગવાન સાથે રથયાત્રામાં જોડાયેલા ભાવિકો, ઘાટકોપર-વેસ્ટની રથયાત્રામાં ભગવાનના રથને ખેંચી રહેલા સંઘાણી એસ્ટેટના યુવાનો.

જૈનોના પર્યુષણ પર્વ પછીના રવિવારે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઘાટકોપર, બોરીવલી, ડોમ્બિવલી સહિતના ઉપનગરોમાં જૈન સંઘો તરફથી સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ભરવરસાદમાં પણ હર્ષોલ્લાસપૂર્વક જોડાયા હતા અને તેમના કર્તવ્યને પરિપૂર્ણ કર્યું હતું.

લોકો ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કીના ગગનભેદી નારા સાથે રથયાત્રામાં જોડાયા હતા અને શિસ્તબદ્ધ રીતે મુંબઈના માર્ગો પર રથયાત્રાનો આનંદ માણ્યો હતો. આ રથયાત્રામાં બૅન્ડ, ભગવાનનો રથ, ઇન્દ્રધજા, ભગવાન મહાવીરનું પારણું, પ્ર‌ીતિદાનની લારી સાથે આબાલવૃદ્ધો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને જોડાયા હતા.

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા ગઈ કાલે સવારે નવ વાગ્યે પરમાત્માની રથયાત્રા તથા તપસ્વીઓની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં  જોડાયા હતા તેમ જ પરમાત્માના રથને શ્રાવકોએ પોતાના હાથેથી ખેંચીને ડોમ્બિવલીના માર્ગો પર ચલાવ્યો હતો.

mumbai news mumbai jain community gujaratis of mumbai kutchi community