આવતા રવિવારે દક્ષિણ મુંબઈમાં ૨૦૦થી વધુ જૈન સંગઠનોની સામૂહિક રથયાત્રા

25 September, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રથયાત્રાની શરૂઆત સી. પી. ટૅન્કથી કરવામાં આવશે અને સાઉથ મુંબઈના રાજમાર્ગોથી ફરીને ગોવાલિયા ટૅન્ક સુધી જશે

ફાઇલ તસવીર

દક્ષિણ મુંબઈનાં ૨૦૦થી વધુ જૈન સંગઠનો દ્વારા જૈન એકતાની લાગણીને મજબૂત કરવા આવતા રવિવારે પહેલી ઑક્ટોબરે સવારે પોણાનવ વાગ્યાથી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના નેજા હેઠળ અને દક્ષિણ મુંબઈના જૈન સંઘોમાં બિરાજમાન પરમ પૂજ્ય ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંતો, પદસ્થ એવમ સાધુ-સાધ્વજી ભગવંતોની ‌‌નિશ્રામાં સામુદાયિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાની શરૂઆત સી. પી. ટૅન્કથી કરવામાં આવશે અને સાઉથ મુંબઈના રાજમાર્ગોથી ફરીને ગોવાલિયા ટૅન્ક સુધી જશે.

આ સામૂહિક રથયાત્રામાં નવ પરમાત્માના રથ, ત્રણ ઇન્દ્રધજા, ૩૦૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતો, ૫૦થી વધુ યુવા મંડળો, ૧૦૦થી વધુ મહિલા મંડળો, ૨૪ યક્ષ, ૨૪ ય​િક્ષણી, ૧૬ વિદ્યાદેવી, ૬૪ ઇન્દ્ર, ૫૬ દિકકુમારિકા, ૧૦૦થી વધુ પાઠશાળાનાં બાળકો, ૫૦ ફુ​ટ લાંબો શાસનધ્વજ, ૧૦થી વધુ જૈન બૅન્ડ, ઇન્સ્ટન્ટ રંગોળી, મ‌હાપુરુષોને યાદ કરતી ૧૮ ઝાંખી, પ્રભુભક્તિ, વૈરાગ્ય અને જીવદયા ઇત્યાદિ અનેક પ્રકારની રચનાઓ, ૧૦૦૮ શાસનધ્વજ લઈને માર્ચ કરતા યુવાનો, ૩૦૦થી વધુ બાઇકની રૅલી, ૨૪ પરમાત્માની પ્રતિકૃતિ, સંપૂર્ણ રથયાત્રામાં પ્રી‌તિદાન, દેવવિમાનથી પુષ્પવૃષ્ટિ, ૪૫ આગમ પાલખી, ભગવાન મહાવીરના મૂળ સિદ્ધાંતોને દર્શાવતી રચનાઓ, વિશ્વની આતંકવાદ, ગરીબી, પર્યાવરણનો નાશ, ભ્રષ્ટાચાર, ગ્લોબલ વૉર્મિંગ, નારીનું અપમાન જેવી વિવિધ સમસ્યાઓને દર્શાવતી રચનાઓ, સંસ્કૃતિ અને સભ્યતા દ્વારા રાષ્ટ્રને અધ્યાત્મનો સમન્વય કરતી વિશાળ રચનાઓ, પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણોરૂપ ૧૦૮ જૈન યુવાનોનું પુણેરી પથક અને આદિવાસી, કચ્છી, ડાંગ, કલબેલા, કેરલા, મણિપુરી, બિહુ જેવા ભારતના અલગ-અલગ પ્રાંતોની સંસ્કૃતિ દર્શાવતાં નૃત્ય મંડળો જેવી અનેક વસ્તુઓ મુખ્ય આકર્ષણ બની રહેશે.

jain community south mumbai mumbai mumbai news