પારસી વિધિ કરીને રતન તાતાના પાર્થિવ શરીરને ઇલેક્ટ્રિક ચેમ્બરમાં અગ્નિદાહ આપવામાં આવ્યો

11 October, 2024 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરલીની પારસી સ્મશાનભૂમિમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી

કોલાબામાં આવેલા રતન તાતાના બખ્તાવર બંગલાથી ગઈ કાલે સવારે તેમના પાર્થિવ શરીરને નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સ (NCPA) ખાતે લોકોને અંતિમ દર્શન માટે લઈ જવાયો હતો. ત્યાર બાદ બપોરે ૪ વાગ્યે ત્યાંથી તેમના મૃતદેહને વરલીમાં આવેલી પારસી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. રતન તાતાના પાર્થિવ દેહને તાતા મોટર્સની કારમાં જ લઈ જવામાં આવ્યો હતો. (તસવીરો : સતેજ શિંદે)

બુધવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં અવસાન પામેલા ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન તાતાનો મૃતદેહ ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી સવારે ૧૦ વાગ્યા પહેલાં રતન તાતાના કોલાબામાં આવેલા બંગલે લાવવામાં આવ્યો હતો. અહીં તેમના પરિવારજનોની સાથે નજીકના લોકો અને મહાનુભાવોએ અંતિમ દર્શન કર્યાં હતાં. એ પછી પાર્થિવ શરીરને દક્ષિણ મુંબઈમાં આવેલા નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA)ની લૉનમાં લાવવામાં આવ્યો હતો. પાર્થિવ શરીરને સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. એ સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને કુમાર મંગલમ બિરલા સહિત રાજકીય પક્ષો, રમતગમત, બિઝનેસ સાથે સંકળાયેલી હસ્તીઓ સાથે બૉલીવુડના કલાકારોએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં રતન તાતાના પાર્થિવ શરીરનાં અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. એ પછી રતન તાતાના મૃતદેહને કોસ્ટલ રોડથી વરલીની સ્મશાનભૂમિ પર લઈ જવાયો હતો, જ્યાં પોલીસે હવામાં ફાયરિંગ કરીને તેમને ગાર્ડ ઑફ ઑનરની સાથે સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને પારસી રિવાજ મુજબની વિધિ કર્યા બાદ ઇલેક્ટ્રિક સિસ્ટમથી અંતિમવિધિ કરવામાં આવી હતી.

અંતિમ દર્શન બાદ ૪ વાગ્યે રતન તાતાના પાર્થિવ દેહને વરલી લઈ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં તેમની અંતિમ ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મૃતદેહ સાથેનું વાહન પસાર થયું ત્યારે લોકોએ બે હાથ ઊંચા કરીને રતન તાતાને નમન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વરલી સ્મશાનભૂમિમાં રતન તાતાને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી (તસવીર : અદિતિ હરળકર)

નક્કી કરવામાં આવેલા સમય મુજબ વરલીમાં આવેલી પારસી સ્મશાનભૂમિમાં રતન તાતાના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. અંતિમક્રિયા કરતાં પહેલાં સ્મશાનભૂમિમાં પારસી સહિત તમામ ધર્મના ધર્મગુરુઓએ પ્રાર્થના કરી હતી. એ પછી સાંજે ૬ વાગ્યે પાર્થિવ શરીરને ઇલેક્ટ્રિક સિસ્ટમથી દહન કરવામાં આવ્યું હતું. અંતિમક્રિયા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે રતન તાતાના કોલાબામાં આવેલા બંગલામાં ત્રણ દિવસ સુધી અનુષ્ઠાન કરવામાં આવશે.

સર્વ ધર્મગુરુઓએ પ્રાર્થના કરી

NCPAની લૉનમાં રતન તાતાની પ્રાર્થનાનો એક વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો, જે જોઈને લોકો રતન તાતાએ આખા ભારત માટે પ્રેરણા આપી હોવાનું કહી રહ્યા છે. વિડિયોમાં બધા ધર્મગુરુ ખભેખભો મિલાવીને પ્રાર્થના કરી રહ્યા છે. આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયામાં એક વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું હતું, ‘એક સારો માણસ હોવું એ સૌથી મોટો ધર્મ છે. માનવતા એ ધર્મનું નામ છે જેનું દરેક ધર્મના લોકો સન્માન કરે છે.’ બીજી એક વ્યક્તિએ લખ્યું હતું, ‘તેમણે બધાને સાથે લાવી દીધા. તેમના આત્માને શાંતિ મળે.’

એક દિવસનો શોક

રતન તાતાના અવસાનના સમાચાર જાણ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે આ દુખદ ઘટનાને પગલે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરીને તમામ સરકારી કાર્યક્રમ રદ કર્યા હતા. દરેક સરકારી ઑફિસોમાં રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. 

ratan tata tata tata motors celebrity death worli ncpa mumbai police mumbai mumbai news