11 October, 2024 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સુરતમાં રતન તાતાને અંજલિ આપતી વિદ્યાર્થિનીઓ
રતન તાતા બૅચલર હોવાથી તેમને કોઈ સંતાન નથી છતાં બુધવારે રાત્રે તેમના અવસાનના સમાચાર સાંભળીને દેશના ૧૪૦ કરોડ લોકોએ શોક પાળ્યો હતો એ જ બતાવે છે કે લોકોનાં દિલમાં તેમના માટે અપાર પ્રેમ છે અને આ જ કારણસર તેમને લેજન્ડનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગઈ કાલે ઉદ્યોગપતિ, રાજકારણી, સેલિબ્રિટીથી લઈને આમઆદમી સુધી બધાએ તેમના વ્યક્તિત્વ વિશે જે વાત કહી એમાં કૉમન હતું પ્રેરણા અને શીખ. મોટા ભાગના લોકો રતન તાતા પાસેથી કંઈ ને કંઈ શીખ્યા હોવાનું તેમ જ તેમની પ્રેરણાથી જીવનમાં આગળ વધ્યા હોવાનું કહેતા હતા.
આ સ્વપ્નદૃષ્ટા ઉદ્યોગપતિ કેટલા નમ્ર, દયાળુ, સમાજ અને દેશને બહેતર બનાવવા માટે કેટલા પ્રતિબદ્ધ હતા એના અમુક કિસ્સા પરથી તમને સમજાઈ જશે કે રતન તાતા ખરા અર્થમાં છે ભારત રત્ન.
કફ પરેડમાં આવેલી પ્રેસિડન્ટ હોટેલમાં આવેલી થાઇ પૅવિલિયન રેસ્ટોરાંમાં રતન તાતા ઘણી વાર જમવા જતા હતા, કારણ કે તેમને ત્યાંનું થાઇ ફૂડ ભાવતું હતું, પણ જો ક્યારેક હોટેલમાં વેઇટિંગ હોય તો તેઓ પોતાની વગ વાપરવાને બદલે પોતાના નંબરની રાહ જોઈને બેઠા રહેતા હતા. આમાં નોંધનીય વાત એ છે કે પ્રેસિડન્ટ હોટેલ પણ તાતા ગ્રુપની કંપનીની જ છે.
ઍરપોર્ટ પર પણ તેઓ ક્યારેય VIP ટ્રીટમેન્ટ નહોતા લેતા. બીજા પૅસેન્જરની જેમ જ લાઇનમાં ઊભા રહેતા તેમ જ પોતાનું લગેજ શક્ય હોય ત્યાં સુધી પોતે જ ઉપાડવાનું પ્રિફર કરતા હતા.
શ્વાન પ્રત્યે રતન તાતાના પ્રેમથી બધા વાકેફ છે અને આ જ કારણસર કોલાબામાં આવેલા તાતા સન્સના હેડ ક્વૉર્ટર બૉમ્બે હાઉસ અને ધ તાજ મહલ પૅલેસ હોટેલમાં તેમણે રખડતા કૂતરાઓને પણ એન્ટ્રી આપી હતી. એટલું જ નહીં, ત્યાં શ્વાનને VIP ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી હતી.
અત્યારે એક વિધાનસભ્ય પણ પોલીસની સિક્યૉરિટી વગર બહાર નથી નીકળતો ત્યારે રતન તાતાએ કોઈ પણ પ્રકારની પોલીસ પાસેથી સિક્યૉરિટી નહોતી લીધી. હજી થોડાં વર્ષ પહેલાં સુધી તેઓ પોતે જ કાર ડ્રાઇવ કરીને બધે જતા હતા.
રેલવેએ જ્યારે તમામ સ્ટેશનો પર પ્રવાસીઓને વિનામૂલ્ય વાઇ-ફાઇ આપવાનું નક્કી કર્યું હતું ત્યારે ૪૦૦ સ્ટેશનો પર આ ફૅસિલિટી આપ્યા બાદ બજેટનો પ્રૉબ્લેમ થયો હતો ત્યારે પીયૂષ ગોયલે રતન તાતા સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં પીયૂષ ગોયલે તમામ રેલવે-સ્ટેશનને વાઇ-ફાઇ પૂરું પાડવા માટે બજેટનો પ્રૉબ્લેમ થઈ રહ્યો છે એવું કહ્યું કે તરત જ એક પણ પલનો વિચાર કર્યા વગર તેમણે બાકીનાં તમામ રેલવે-સ્ટેશનો પર વાઇ-ફાઇ લગાડવા માટેનું ફન્ડ આપવા તૈયાર થઈ ગયા હતા.
રતન તાતાને મન ભારતનું હિત સૌથી મહત્ત્વનું હતું. આ જ કારણસર તેમની કંપની TCS ન્યુ યૉર્ક મૅરથૉન સ્પૉન્સર કરતી હતી. તેમનું કહેવું હતું કે હું આખા વિશ્વને મેસેજ આપવા માગતો હતો કે ભારતની કંપનીઓ પણ વિશ્વના કોઈ પણ દેશમાં સ્પૉન્સરશિપ આપી શકે એવી સક્ષમ છે.
રતન તાતાના વ્યક્તિત્વની નોંધ લઈને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ તેમના માનમાં તાતા હૉલ બનાવવામાં આવ્યો છે. તેઓ પોતે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણ્યા હતા.
દુનિયાની કોઈ પણ આઇટમ મગાવી શકતા રતન તાતાની ફેવરિટ ડિશ કઈ હતી?
રતન તાતા દુનિયાની જે વાનગી ચાહે એ ખાઈ શકતા હતા, પણ તેમને સૌથી વધારે ઘરે બનાવેલું પારસી ફૂડ જ ભાવતું હતું. એમાં પણ ધાનસાક, અકુરી અને ચિકન ફારચા તેમને બહુ જ ભાવતી આઇટમ હતી. આ સિવાય તેમને મટન પુલાઉ દાળ, ભારોભાર લસણવાળી ખાટી-મીઠી મસૂરની દાળ અને નટ્સવાળું બેક્ડ કસ્ટર્ડ પણ ફેવરિટ હતું. તેઓ હંમેશાં કૉફી જ પ્રિફર કરતા હતા.