26 October, 2024 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતા અને ડૉગ ટીટો
સર રતન તાતાના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વિલની વિગતો બહાર આવી છે. તેમણે આ વિલમાં તેમના પાળેલા જર્મન શેફર્ડ ડૉગ ટીટોને પણ સામેલ કર્યો છે. એની દેખરેખ રાખવા માટેની પણ જોગવાઈ કરી છે. તેમના અગાઉના ટીટો નામના ડૉગના મૃત્યુ બાદ પાંચથી છ વર્ષ પહેલાં તેમણે આ જર્મન શેફર્ડ ડૉગ લીધો હતો અને એને પણ ટીટો એવું જ નામ આપ્યું હતું. આ ડૉગની જવાબદારી તેમના રસોઇયા રાજન શૉને આપવામાં આવી છે. વિલ મુજબ તેમના ૩૦ વર્ષથી સાથે રહેલા બટલર સુબ્બૈયાને પણ આમાં સામેલ કરવામાં આવ્યો છે.
રતન તાતાની સંપત્તિમાં અલીબાગનો ૨૦૦૦ ચોરસ વર્ગનો બંગલો, જુહુમાં બે માળનું મકાન, ૩૫૦ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ અને તાતા ગ્રુપની હોલ્ડિંગ કંપની તાતા સન્સમાં ૦.૮૩ ટકાની હિસ્સેદારી (આશરે ૭૯૦૦ કરોડ રૂપિયા)નો સમાવેશ છે.
વિલમાં રતન તાતાએ તેમના એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ શાંતનુ નાયડુનું નામ પણ લખ્યું છે. તેના વેન્ચર ધ ગુડફેલોઝમાં તેમણે પોતાની હિસ્સેદારી છોડી દીધી છે અને શાંતનુને વિદેશ ભણવા જવા માટે આપેલી પર્સનલ લોન માફ કરી દીધી છે. તાતા સન્સમાં તેમના હિસ્સાને તેમના ભાઈ જિમી તાતા, સાવકી બહેન શીરીન અને ડીઆના જીજીભોય તથા રતન તાતા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. રતન તાતાની ત્રીસેક લક્ઝરી કારના કલેક્શનનું ઑક્શન કરવું કે એને તાતા ગ્રુપના પુણેમાં આવેલા મ્યુઝિયમમાં રાખવામાં આવશે એનો નિર્ણય હજી લેવામાં નથી આવ્યો.