31 October, 2023 07:40 AM IST | Mumbai | Faizan Khan
ગઈ કાલે ચાર કલાકની ઊલટતપાસ બાદ બહાર આવી રહેલો બાદશાહ (તસવીર : શાદાબ ખાન)
વાયકૉમ-૧૮ની ફરિયાદ બાદ મહારાષ્ટ્ર સાઇબર પોલીસે ફેરપ્લે ઍપના કથિત પ્રમોશન માટે રૅપર બાદશાહને સમન્સ પાઠવ્યા છે. આ ઍપ પર કોઈ પણ જાતની પરવાનગી વગર આઇપીએલની મૅચોનું પ્રસારણ કરવામાં આવતું હતું. આઇપીએલ મૅચોના બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સ વાઇકૉમ-૧૮ પાસે હતા. આ મૅચોનું એની સાઇટ પર ગેરકાયદે પ્રસારણ થતાં કંપનીને ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાન થયું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે પ્લૅટફૉર્મનું એન્ડોર્સમેન્ટ કરનાર ૪૦ અન્ય સેલિબ્રિટીઓને પણ તપાસ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. છેતરપિંડી અને ગુનાહિત કાવતરા ઉપરાંત આઇટી અને કૉપીરાઇટ્સ ઍક્ટ્સ અન્વયે એફઆઇઆર પણ દાખલ કરાયો છે. મહારાષ્ટ્ર સાઇબર ઑફિસરે કહ્યું હતું કે સંજય દત્ત અને જૅકલિન ફર્નાન્ડિસ સહિત ઘણી સેલિબ્રિટીઓનાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યાં છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાયકૉમ-૧૮ની ઍન્ટિ-પાઇરસી ટીમ ગેરકાયદે તેમના કન્ટેન્ટનું પ્રસારણ કરી રહેલી ઍપ પર નજર રાખતી હતી. તેમણે વાયકૉમ-૧૮ સાથે રાઇટ્સને લઈને કોઈ પણ જાતના કરાર વગર આઇપીએલ-૨૦૨૩ની મૅચોનું પ્રસારણ કરનારી કેશો, ફોકી, વેદુ, સ્માર્ટ પ્લેયર લાઇટ, ફિલ્મ પ્લસ, ટી ટીવી, વાવ ટીવી અને ફેરપ્લે જેવી ઍપનાં નામો આપ્યાં છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.