મુંબઈમાં ફરી શરૂ થશે રેપિડો: એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્રમાં બાઇક ટૅક્સીને આપી મંજૂરી

26 June, 2024 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના પરિવહન વિભાગ દ્વારા પૂછવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી શિંદેએ તાજેતરની બેઠકમાં બાઇક ટૅક્સીઓને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

Rapido Services to Resume in Mumbai: એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત શહેરી વિસ્તારોમાં બાઇક ટૅક્સીઓને ચલાવવાની મંજૂરી આપી છે. રેપિડો, ઑલા અને ઉબેર જેવી કંપનીઓ માટે આ સારા સમાચાર છે. જોકે, રાજ્ય સરકારે આ કંપનીઓ માટે નિયમો જાહેર કર્યા છે.

એપ-આધારિત એગ્રીગેટર્સ પાસે ઓછામાં ઓછા 50 ટુ-વ્હીલરનો કાફલો હોવો આવશ્યક છે, જેના માટે 1 લાખ રૂપિયાની નોંધણી ફી લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો મુજબ, 10,000થી વધુ કાફલો ધરાવતા એગ્રીગેટર્સ માટે 5 લાખ રૂપિયાની ફી લાદવામાં આવશે.

મુંબઈમાં 10 કિમી અને અન્ય શહેરોમાં 5 કિમીની ત્રિજ્યામાં બાઇક ટૅક્સીઓને ચલાવવાની છૂટ છે. નિયમ જણાવે છે કે, તમામ બાઈક જીપીએસથી સજ્જ હોવી જોઈએ. એગ્રીગેટર્સ માટે ટુ-વ્હીલર પાયલોટનું રજિસ્ટ્રેશન અને મૂળભૂત તાલીમ પણ ફરજિયાત રહેશે.

રાજ્ય પરિવહન કમિશનર વિવેક ભીમાંકરે જણાવ્યું હતું કે, અન્ય વિગતો સાથેનું સરકારી નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. તે ઍપ આધારિત ફ્લીટ સર્વિસ હશે અને મુસાફરો માટે સુવિધાજનક હશે. તેમણે એમ પણ કહ્યું કે, બાઇક ટૅક્સીઓ શહેરોમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. રાજ્ય સરકારના વાહન નોંધણીના આંકડા મુજબ, મુંબઈમાં 28 લાખ ટુ-વ્હીલર છે, જેમાં 6 લાખ સ્કૂટરનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારની ટુ-વ્હીલર ટૅક્સી પર 2022માં અમલમાં આવેલી નીતિને અમલમાં મૂકવાની જરૂર છે. રાજ્યના પરિવહન વિભાગ દ્વારા પૂછવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી શિંદેએ તાજેતરની બેઠકમાં બાઇક ટૅક્સીઓને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા ટુ-વ્હીલર ટૅક્સીને મંજૂરી આપી હતી. જોકે, રાજ્ય સરકારોને નિયમો બનાવવા અને લાઇસન્સ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે હવે બાઇક ટૅક્સીને મંજૂરી આપી હોવા છતાં રિક્ષા અને ટૅક્સી અસોસિએશને વિરોધ કર્યો છે. ઑટોરિક્ષા ડ્રાઇવર-ઑનર્સ એસોસિએશન સંયુક્ત કાર્ય સમિતિના પ્રમુખ શશાંક રાવે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, “બાઇક ટૅક્સીઓ અમારા વ્યવસાય માટે ખતરો નથી, પરંતુ સલામત નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૨૩ બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે રોપ્પેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ (રૅપિડો)ને બાઇક ટૅક્સી દોડાવવાનું લાઇસન્સ આપવાનો ઇનકાર કરવાના મહારાષ્ટ્ર સરકારે પસાર કરેલા આદેશને પડકારતી રૅપિડોની યાચિકા ઠુકરાવી દીધી હતી. આથી નજીકના ભવિષ્યમાં મુંબઈમાં બાઇક ટૅક્સી શરૂ થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

જસ્ટિસ ગૌતમ પટેલ અને એસ. જી. દિગેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે બાઇક ટૅક્સી એગ્રિગેટર ફર્મની યાચિકામાં તેમને યોગ્યતા જણાઈ નથી. પિટિશનર જેવી કોઈ એગ્રિગેટર કંપની કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના કે લાઇસન્સ વિના બાઇક ટૅક્સી સર્વિસ ઑપરેટ કરવાની પરવાનગી મેળવવાની છૂટ આપવાનો દાવો કેવી રીતે કરી શકે એ અમે સમજી શકતા નથી એમ કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે બાઇક ટૅક્સી સ્કીમ પર પૉલિસીની માગણી કરવી એ લાઇસન્સ માટેની તેમની અરજી ઠુકરાવવા માટે અપૂરતો આધાર છે એ દર્શાવવામાં પિટિશનર કંપની નિષ્ફળ નીવડી છે.

eknath shinde ola uber bombay high court mumbai mumbai news