સુરતથી અયોધ્યા જઈ રહેલી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થવાથી રામભક્તો ફફડી ઊઠ્યા

13 February, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતની સીમા પાસેના નંદુરબાર નજીક ઝાડીમાં છુપાયેલા યુવકોએ ટ્રેન પર પથ્થર ફેંકતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો : પોલીસે બે યુવકની ધરપકડ કરી : હિન્દુ યુવકોની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું

સુરતથી અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા સ્પેશ્યલ ટ્રેન

૧૩૦૦ રામભક્તો સાથે રવિવારે રાતે સુરતથી અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા સ્પેશ્યલ ટ્રેન ઉપર નંદુરબાર પાસે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. પથ્થરમારાથી ટ્રેનના ચાર કોચમાં નુકસાન થવાની સાથે એક પોલીસ-કર્મચારીને ઈજા થઈ હતી. નંદુરબાર પોલીસે આ ઘટનામાં બે યુવકની ધરપકડ કરી છે. તેઓ માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. પથ્થરમારો થવાથી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા રામભક્તોમાં થોડો સમય ગભરાટ ફેલાઈ ગયો હતો. દોઢેક કલાક બાદ ટ્રેનને અયોધ્યા તરફ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન અને સુરતનાં સાંસદ દર્શના ઝરદોશે રવિવારે રાતે ૮ વાગ્યે ૧૩૪૪ રામભક્તો સાથેની ૨૨ કોચવાળી આસ્થા સ્પેશ્યલ ટ્રેન (નંબર ૦૯૦૫૩)ને લીલી ઝંડી આપીને અયોધ્યા જવા રવાના કરાવી હતી. આ ટ્રેન નંદુરબાર પાસે રાતે ૯.૪૫ વાગ્યે આવી હતી ત્યારે એની ઉપર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટ્રેનના એસ-૭, એસ-૧૧ અને એસ-૧૨ કોચમાં પથ્થરનો વરસાદ થતાં એમાં પ્રવાસ કરી રહેલા રામભક્તો ફફડી ઊઠ્યા હતા. એસ-૭ કોચની અંદર કેટલાક પથ્થર આવીને પડતાં એક પોલીસ-કર્મચારીને પગમાં ઈજા પહોંચી હતી. 
પથ્થરમારો નંદુરબાર રેલવે-સ્ટેશન પહેલાં એક કિલોમીટર ટ્રેન દૂર હતી ત્યારે થયો હતો. આ ઘટનાની જાણ રેલવે પોલીસ રેલવે પ્રોટેક્શન ફોર્સને કરવામાં આવતાં ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી. ટ્રેન નંદુરબાર પહોંચ્યા બાદ પોલીસની ટીમે આખી ટ્રેનની તપાસ કરી હતી અને ઘાયલ થયેલા પોલીસ-કર્મચારીને ટ્રેનમાંથી ઉતારીને સારવાર માટે લઈ જવાયો હતો. ૨૨ કોચની તપાસ કરતાં ત્રણથી ચાર કોચમાં પથ્થરોનો મારો કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.

નંદુરબાર રેલવે-પોલીસના જણાવ્યા મુજબ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શ્રીરામનાં દર્શન કરવા માટે સુરતથી આસ્થા સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા જવા માટે નીકળ્યા બાદ પથ્થરમારાની ઘટના નંદુરબાર પાસે બની હતી. પોલીસની ટીમે તપાસ કરતાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાંથી ઈશ્વર અને રવીન્દ્ર નામના બે યુવક શંકાસ્પદ જણાતાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે ટ્રેન ઉપર પથ્થરમારો કર્યો હોવાનું તપાસમાં જણાતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે બન્ને માનસિક રીતે અસ્થિર છે. તેમની સાથે બીજા કોઈ હતા કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.

અયોધ્યા-યાત્રાનું આયોજન કરનારા અને ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદના સુરતના ઇન્ચાર્જ  નીલેશ અકબારીના જણાવ્યા મુજબ ટ્રેન નંદુરબાર પાસે હતી ત્યારે એસ-૭, એસ-૧૧ અને એસ-૧૨ નંબરના કોચની ઉપર બહારથી જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક પથ્થર એસ-૭ કોચની અંદર પડ્યા હતા. અચાનક થયેલા પથ્થરમારાથી બધા ચોંકી જવાની સાથે ફફડી ઊઠ્યા હતા. કોઈ અસામાજિક તત્ત્વોએ અંધારાનો લાભ લઈને આ પથ્થરમારો કર્યો હોવાની શક્યતા છે. ટ્રેનમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ૧૩૪૪ કાર્યકર છે. પથ્થરમારાની ઘટના બાદ ટ્રેનને થોડો સમય નંદુરબાર રેલવે-સ્ટેશન ઉપર ઊભી રાખવામાં આવી હતી. બાદમાં એ અયોધ્યા તરફ રવાના કરવામાં આવી હતી.

રેલવે પ્રોટેક્શન ફોર્સના અસિસ્ટન્ટ સિક્યૉરિટી કમિશનર ટી. એસ. બૅનરજીએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘સુરતથી અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા સ્પેશ્યલ ટ્રેનની ઉપર પથ્થરમારો થયો હોવાની માહિતી મળી હતી. નંદુરબારના પોલીસ-અધિકારીઓએ તપાસ હાથ ધરીને બે લોકોની ધરપકડ કરી હતી.’

mumbai news mumbai ayodhya surat