રાજસ્થાનનાં બીજેપીનાં વિજયી બળવાખોર નેતા મુંબઈ આવીને શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં

16 March, 2024 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષની ચૂંટણીમાં અપક્ષ લડીને વિધાનસભ્ય બન્યાં હતાં ડૉ. ઋતુ બનાવત

રાજસ્થાનનાં અપક્ષ વિધાનસભ્ય ડૉ. ઋતુ બનાવત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે

રાજસ્થાન વિધાનસભાની ગઈ ચૂંટણીમાં બીજેપીએ ટિકિટ કાપ્યા બાદ ભરતપુર જિલ્લાની બયાના વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે વિજયી થયેલાં ડૉ. ઋતુ બનાવતે ગઈ કાલે અચાનક મુંબઈ પહોંચીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ રાજસ્થાનમાં ઋતુ બનાવતના રૂપમાં શિવસેનાનું ખાતું ખૂલી ગયું છે, પણ આ ચોંકાવનારા અપડેટથી સત્તાધારી મહાયુતિમાં સામેલ બીજેપીની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

બયાનાનાં અપક્ષ વિધાનસભ્ય ડૉ. ઋતુ બનાવતે ગઈ કાલે શિવસેનામાં પ્રવેશ કર્યા બાદ કહ્યું હતું કે ‘શિવસેનાની કામ કરવાની સ્ટાઇલ અને નીતિથી આકર્ષિત થઈને મેં આ પગલું લીધું છે. શિવસેનામાં પ્રવેશ કર્યા બાદ હવે હું રાજસ્થાનમાં પણ પક્ષને આગળ વધારવા માટે કામ કરીશ.’

ઉલ્લેખનીય છે કે ડૉ. ઋતુ બનાવતના પતિ ઋષિ બંસલ બીજેપી યુવા મોરચા અને બીજેપી ભરતપુર જિલ્લાધ્યક્ષના પદે રહી ચૂક્યા છે. જોકે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં બયાનામાં બીજેપીએ બીજા કોઈને ઉમેદવારી આપતાં ઋષિ બંસલે બીજેપીનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું અને પત્ની ઋતુને અપક્ષ ચૂંટણી લડાવીને વિજયી બનાવી હતી. 

eknath shinde shiv sena rajasthan bharatiya janata party maharashtra news political news indian politics mumbai mumbai news