26 March, 2024 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે મહાયુતિમાં તો જોડાશે, પણ તેમની પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઊતરશે?
રાજ્યના સત્તાધારી પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP), મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે શનિવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે દોઢ કલાક બેઠકોની સમજૂતી માટે બેઠક થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠક બાદ બધા નેતાઓ બીજા દિવસની વહેલી સવારે મુંબઈ આવ્યા હતા. એ પછી રવિવારે મુંબઈમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિતના ત્રણેય પક્ષના વરિષ્ઠ નેતાઓની સાગર બંગલામાં બેઠક થઈ હતી. આ બેઠકમાં મહાયુતિમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને સામેલ કરવા ઉપરાંત બેઠકોની સમજૂતી બાબતે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ BJP ૩૦, એકનાથ શિંદેની શિવસેના ૧૩, અજિત પવારની NCP ૪ અને રાજ ઠાકરેની MNS ૧ બેઠક લડે એવું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ બેઠક બાદ ગઈ કાલે અજિત પવાર જૂથ વધુ એક બેઠક માગી રહ્યું હોવાનું તેમ જ રાજ ઠાકરેને લોકસભામાં સાથે લેવા કે નહીં એ વિશે ત્રણેય પક્ષમાં અંતિમ સમજૂતી થઈ નથી શકી એટલે મહાયુતિની સમજૂતી અને ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ ડેવલપમેન્ટ બાદ BJPએ પણ સ્ટ્રેટજી બદલીને MNSને લોકસભાની ચૂંટણી લડાવવાને બદલે પિયુષ ગોયલની જે બેઠક ખાલી પડવાની છે એના પર MNSના નેતા બાળા નાંદગાંવકરને રાજ્યસભામાં અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને વિધાનપરિષદમાં મોકલવાની યોજના બનાવી હોવાનું કહેવાય છે.