03 February, 2024 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ આગામી લોકસભાની ચૂંટણીમાં ચર્ચિત એવા મંદિરના મુદ્દે જણાવ્યું હતું કે લોકો અયોધ્યામાં નવા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી ખુશ છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ બીજેપીને મત આપશે.
તેમણે કહ્યું હતું કે ‘કોઈ પણ લોકસભાની ચૂંટણીનાં પરિણામોની આગાહી નથી કરી શકતું. ચૂંટણી થવા દો. લોકો રામમંદિરથી ખુશ છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ ભાજપને મત આપશે.’
રાજ્યના વિપક્ષી બ્લૉકમાં એમએનએસના સમાવેશ અંગે રાજ ઠાકરેએ સામો પ્રશ્ન કર્યો હતો કે કોણ મહાવિકાસ અઘાડી સાથે જવા માગે છે? મરાઠા આરક્ષણ મુદ્દે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ક્વોટાની માગ સિવાય સમુદાયની તમામ માગણીઓ સ્વીકારવામાં આવી છે.
રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળશે અને તેમની પાર્ટી દ્વારા એકત્રિત કરવામાં આવેલા ટોલ પ્લાઝાના ડેટા શૅર કરશે. તેમણે કહ્યું કે હું ટોલ કલેક્શનની વિરુદ્ધ નથી, પરંતુ એમાં પારદર્શિતા હોવી જોઈએ.