21 December, 2024 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
કલ્યાણમાં ગુરુવારે રાત્રે બે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં મરાઠી ફૅમિલીએ અખિલેશ શુક્લા પર તમે મરાઠીઓ ભિખારી છો, માંસ-મચ્છી ખાઈને ગંદકી કરો છો એવું કહ્યું હોવાનો આરોપ મૂક્યો હોવાથી આ મુદ્દો વિધાનભવનથી લઈને આખા રાજ્યમાં ગાજ્યો છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ જોરદાર ભડક્યા છે. ગઈ કાલે તેમણે ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં કહ્યું હતું કે ‘લાડકી બહિણના નામ પર મત માગનારાઓને મારો પ્રશ્ન છે કે જે વ્યક્તિને મારવામાં આવી તેની પત્ની, મમ્મી, બહેન શું તમારી લાડકી બહેન નથી? પ્રધાનપદ મહારાષ્ટ્રનું ભોગવશો પણ એના ભૂમિપુત્રોનો આધાર નહીં બનો. મરાઠી માણૂસ છોડીને આવા ઘમંડીઓ તમારા માટે ખાસ થઈ ગયા છે? તમને આવી લાચારી ક્યાંથી આવે છે એ મને નથી સમજાતું.’
ત્યાર બાદ આક્રોશ વ્યક્ત કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું સ્પષ્ટ કહું છું કે આ કલ્યાણ પ્રકરણના આરોપીની ધરપકડ કરો. તેને કાયદાનો ડર શું હોય એ એક વાર બતાવો. જો સરકારને એ ફાવતું ન હોય તો મારા મહારાષ્ટ્રના સૈનિકો આ કામ હાથમાં લેવા તૈયાર છે. હું હંમેશાં કહું છું કે પોલીસ પર મારો વિશ્વાસ છે, તેમણે એ વિશ્વાસને સાર્થક કરવો જોઈએ. સરકારે પણ આવી ઘટના ફરી ન બને એ માટે કડક કાર્યવાહી કરવી જોઈએ.’