રાજ ઠાકરેએ BMCની આવક વધારવાના આઇડિયા આપ્યા કમિશનરને

23 February, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સુધરાઈના મુખ્યાલય ગયેલા MNSના ચીફે અન્ડરગ્રાઉન્ડ કેબલ્સ નાખતી અદાણી અને રિલાયન્સ જેવી કંપનીઓ પાસેથી યુટિલિટી ચાર્જ લેવાનું તેમ જ BMCની હૉસ્પિટલોમાં બહારથી સારવાર માટે આવતા દરદીઓ પાસેથી વધારે પૈસા વસૂલ કરવાનું સૂચન કર્યું

ગઈ કાલે BMCના હેડક્વૉર્ટરમાં રાજ ઠાકરે. તસવીર : અતુલ કાંબળે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઍડ્મિનિસ્ટ્રેટર-કમ-કમિશનર ભૂષણ ગગરાણીને મળ્યા હતા. આ મુલાકાતમાં તેમણે આર્થિક તંગીનો સામનો કરી રહેલી BMCની આવક કઈ રીતે વધારવી એ માટે બે સૂચન આપ્યાં હતાં અને એને અમલમાં મૂકવા કહ્યું હતું.

સૌથી પહેલાં તો રાજ ઠાકરેએ જેટલી પણ કંપનીઓએ શહેરમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ્સ નાખ્યા છે તેમની પાસેથી યુટિલિટી ચાર્જ વસૂલ કરવા કહ્યું હતું. ભૂષણ ગગરાણી સાથે થયેલી વાત વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘જ્યારથી ઑક્ટ્રૉયની આવક બંધ થઈ ગઈ છે ત્યારથી BMCની આર્થિક હાલત સારી નથી ત્યારે એ અદાણી અને રિલાયન્સ જેવી કંપનીઓ પાસેથી યુટિલિટી ચાર્જ શું કામ નથી વસૂલ કરતી? આ સિવાય મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં બહારથી સારવાર માટે આવતા દરદીઓ પાસેથી પણ વધારાની ફી લેવી જોઈએ.’

રાજ ઠાકરેનાં આ સૂચનો વિશે ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય લેશે. અત્યારે મુંબઈના રસ્તાની નીચેથી ૪૨ જુદી-જુદી યુટિલિટીઓના કેબલ પસાર થાય છે. જો આ લોકો પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે તો BMCને આઠથી દસ હજાર કરોડ રૂપિયાની આવક થાય એમ છે એવું MNSના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું.

BMCની હૉસ્પિટલમાં બીજાં રાજ્યોમાંથી આવતા દરદીઓની સારવારના મુદ્દા પર સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાની કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલમાં ૨૨૫૦ બેડ છે, પણ અત્યારે ત્યાં રોજના ૧૦,૦૦૦થી પણ વધારે દરદીઓની સારવાર કરવામાં આવે છે. એમાં પણ વર્ષ દરમ્યાન બીજાં રાજ્યોમાંથી આવતા ૩૦થી ૩૫ લાખ દરદીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આને લીધે અમારું કહેવું છે કે જે પણ દરદીના આધાર કાર્ડ પર સ્થાનિક ઍડ્રેસ હોય તેમને જ સારવાર આપવી જોઈએ.’

PoPની મૂર્તિ વિશે રાજ ઠાકરેએ શું કહ્યું?

હાઈ કોર્ટના આદેશના આધારે રાજ્ય સરકાર અને BMCએ પણ આ વખતે ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાથી મૂર્તિકારો અને મંડળો એનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. જોકે આ બાબતે રાજ ઠાકરેને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘દર વર્ષનો આ મુદ્દો છે. આનો હવે અંત આવવો જોઈએ. PoPને લીધે સારુંએવું પ્રદૂષણ થતું હોવાથી મૂર્તિકારોએ પણ હવે બદલાવ સ્વીકારીને ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવવી જોઈએ.’

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena brihanmumbai municipal corporation