02 January, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સર્વેસર્વા રાજ ઠાકરેએ શિવસૈનિકોને નવા વર્ષની શુભેચ્છા આપતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના મારા તમામ સૈનિકોને સસ્નેહ જય મહારાષ્ટ્ર અને નવા વર્ષની શુભેચ્છા. આપણો પક્ષ સ્થપાયા પછી આપણે ધીમે-ધીમે આગળ વધી રહ્યા છીએ. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે લોકો આપણને યાદ કરે છે, પણ ચૂંટણી વખતે ભૂલી જાય છે. જોકે એ બધું હવે ભૂલી જાઓ. હાલ મહિલાઓ સામે અત્યાચાર વધી રહ્યા છે એટલે આપણી દરેક શાખામાં મહિલાઓ માટે એક સંપર્ક કક્ષ તૈયાર કરો. પીડિત મહિલાઓના કેસ રજિસ્ટર થાય એ માટે તમે તેમને મદદ કરો, ફૉલોઅપ કરો. એમ છતાં જો કાર્યવાહી ન થાય તો પછી હાથ છૂટા મૂકી દો અને તે અત્યાચારીને ઢીબી નાખો.’
રાજ ઠાકરેએ તેમના કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધીને કહ્યું હતું કે ‘મોંઘવારીથી ત્રાસેલા લોકોને દિલાસો આપવો જોઈએ. કોઈ કામમાં સાઠગાંઠ તો નથી થઈ રહીને એના પર ધ્યાન રાખો, એ બાબતની સૂચના સંબંધિત ડિપાર્ટમેન્ટને આપો. સાથે જ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરો. ટૂંકમાં, આપણી શાખાઓ અને કાર્યાલયો ફરી એક વાર લોકો માટે ખોલી નાખો. આ બધું કરતી વખતે એના પ્રચાર અને પ્રસાર માટે સોશ્યલ મીડિયાનો પણ છૂટથી ઉપયોગ કરજો. એની સાથે એ વાતનું પણ ધ્યાન રાખજો કે એ તમારો ઉપયોગ ન કરે.’