31 December, 2023 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાજ ઠાકરે ટૂંકા સમયમાં સાત વખત મળ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં રાજ ઠાકરે સત્તાધારી મહાયુતિમાં સામેલ થવાની ચર્ચા શરૂ થઈ છે. આ વિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાએ કહ્યું હતું કે ‘અગાઉના મુખ્ય પ્રધાન મળતા નહોતા, અત્યારના મળે છે. મરાઠી માણસના હિતમાં હશે એવો નિર્ણય રાજસાહેબ લેશે. યુતિ વિશે અત્યારે કોઈ ચર્ચા નથી.’
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મૂળ વાત એ છે કે અત્યારના મુખ્ય પ્રધાન મળે છે. અગાઉના મુખ્ય પ્રધાન કોઈને મળતા જ નહોતા. મહારાષ્ટ્ર કે જનતાના જે પ્રશ્નો હોય છે એ લઈને રાજસાહેબ મુખ્ય પ્રધાન પાસે જાય છે. સામેથી પણ સકારાત્મક પ્રતિસાદ મળે છે અને રસ્તો નીકળે છે. આપણે બધા જનતાની સમસ્યા દૂર કરવા માટે જ રાજકારણમાં છીએ. આથી મુખ્ય પ્રધાન સાથે રાજસાહેબની મુલાકાત થાય છે. રાજકારણમાં ક્યારે શું થશે એ અત્યારે કહી ન શકાય. ૨૦૨૪માં શું થશે એ કોઈ જાણતું નથી. જોકે મહાયુતિ સાથે જવું કે નહીં એનો નિર્ણય રાજસાહેબ યોગ્ય સમયે લેશે. મહારાષ્ટ્ર, હિન્દુત્વ અને મરાઠી માણસના હિતમાં હશે એ તેઓ નક્કી કરશે. રાજ ઠાકરે પાસે બાળાસાહેબના વિચારનો વારસો છે.’
બાબરી પડી ત્યારે એક પણ શિવસૈનિક નહોતો
અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો ત્યારે બીજેપીના જ કાર્યકરો હતા, એક પણ શિવસૈનિક નહોતો. ૧૯૯૨ની આ ઘટનાની યાદ તાજી કરતાં નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથની ટીકા કરતાં કહ્યું હતું કે મંદિર વહીં બનાએંગે પર તારીખ નહીં બતાએંગે એમ કહીને બધા અમારી મજાક ઉડાવતા હતા, પણ મોદીજીના નેતૃત્વમાં અમે એ કરીને બતાવ્યું છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો ત્યારે લાલ કૃષ્ણ અડવાણી સહિતના બીજેપીના નેતાઓની સાથે હું પણ અયોધ્યામાં હાજર હતો. એ સમયે બીજેપી સિવાય કોઈ અયોધ્યા નહોતું પહોંચ્યું. આથી બીજેપી સિવાય કોઈએ ક્રેડિટ ન લેવી. કારસેવકોએ મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યો એવું અમને કહેવામાં આવતું હતું. અમે શિસ્ત પાલન કરનારા છીએ એટલે અમે કારસેવકોનાં નામ કહ્યાં. એ દરમ્યાન કોઈએ બાળાસાહેબને સવાલ કર્યો હતો કે તમારા શિવસૈનિકોએ બાબરી પાડી? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારા શિવસૈનિકે બાબરી પાડી હોય તો એનો મને ગર્વ છે. હકીકતમાં એ સમયે અયોધ્યામાં બીજેપી સિવાય કોઈ રાજકીય પક્ષના કાર્યકરો નહોતા.’
દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અયોધ્યામાં કોણ ગયું હતું અને કોણ નહીં એવી શેખી ન મારો. એ સમયે ત્યાં લાખો કારસેવકો પહોંચ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણીએ એ માટે રથયાત્રા કાઢી હતી. તેમણે રથયાત્રા ન કાઢી હોત તો રામમંદિરનો મુદ્દો સળગ્યો જ ન હોત. એ સમયે દેવેન્દ્ર ફડણવીસ સ્કૂલમાં હશે એટલે તેઓ ત્યાં પિકનિક કરવા ગયા હશે. તેમના વજનથી જ બાબરીનો ઢાંચો તૂટી પડ્યો હશે.’
બેઠક બાબતે કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ સામસામે
લોકસભાની ચૂંટણી માટે મુંબઈ સહિત રાજ્યભરની બેઠકો મેળવવા બાબતે કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ સામસામે આવી ગયાં છે. ઠાકરે જૂથના સંજય રાઉતે મહારાષ્ટ્રના કૉન્ગ્રેસના નેતાઓને બદલે ડાયરેક્ટ દિલ્હીના નેતાઓ સાથે ચર્ચા કરીને ૨૩ બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. આની સામે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમે આવો દાવો કરીને સંજય રાઉત મહાવિકાસ આઘાડીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ ગઈ કાલે કર્યો હતો. સંજય નિરુપમે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે જૂથ કૉન્ગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે વાતચીત નહીં કરે એમ કહેવું એ સંજય રાઉતનું ઘમંડ છે. ખીચડી-કૌભાંડના આરોપીને તેઓ લોકસભાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે. અમોલ કીર્તિકર પર ૧.૬૦ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. આર્થિક ગુના શાખા અને ઈડી આ મામલાની તપાસ કરી રહ્યાં છે. સંજય રાઉતે કૉન્ગ્રેસને સલાહ આપવાનું બંધ કરવું જોઈએ. તેઓ રોજ સવારે પત્રકારો સાથે વાતચીત કરવાનું બંધ નહીં કરે તો તેમની સાથેના શિવસેનાના નેતાઓ ક્યારે પલાયન થઈ જશે એ તેમને ખબર પણ નહીં પડે. મુંબઈમાં શિવસેના કૉન્ગ્રેસની મદદ વિના એક પણ સાંસદ ચૂંટી નહીં શકે. તેમણે ‘સામના’માં લખી-લખીને કૉન્ગ્રેસ અને એનસીપીના સંબંધ બગાડ્યા. હવે આવી સ્થિતિ મહાવિકાસ આઘાડીની પણ કરવા માગે છે?’