11 May, 2024 12:02 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે પુણેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મુરલીધર મોહોળના પ્રચાર માટેની સભામાં મતદારોને મહાયુતિના ઉમેદવારને જ મત આપવાનો ફતવો જાહેર કર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસને મત આપવા મૌલવીઓ ફતવા કાઢી શકતા હોય તો મહાયુતિમાં સામેલ પક્ષના ઉમેદવારોને મત આપવા માટેનું આહ્વાન કેમ ન કરી શકાય? આજે હું પહેલી વાર ફતવો કાઢું છું કે મહારાષ્ટ્રનાં હિન્દુ ભાઈ-બહેનોએ હિન્દુત્વવાદી પક્ષોના ઉમેદવારોને જ મત આપવો. પુણે સાંસ્કૃતિક નગરી છે એટલે આપણી સંસ્કૃતિને ટકાવવાની સાથે આગળ વધારવા માટે દિલ્હીમાં આપણો એક નેતા બેસેલો હશે એ ઉપયોગી થશે. બાકી ૧૯૯૯થી જાતિ-જાતિ વચ્ચે મતભેદ ઊભો કરીને રાજ કરનારા લોકોના હાથમાં પુણે સોંપશો તો કોઈ ફાયદો નહીં થાય.’
રાજ ઠાકરેએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રમાં મહાયુતિને સમર્થન આપવાની જાહેરાત કર્યા પછી રત્નાગિરિ-સિંધુદુર્ગ બાદ ગઈ કાલે પુણેમાં બીજી જાહેરસભા સંબોધી હતી. આ સમયે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘શરદ પવાર, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે પાસે ચૂંટણી લડવા માટેનો કોઈ મુદ્દો જ નથી એટલે તેઓ મા-બહેનના અપશબ્દો બોલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવી સંસ્કૃતિ ક્યારેય નહોતી. ખુરસી મેળવવાની દોડમાં આ લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમની વાતમાં નહીં આવતા.’
અજિત પવારની પ્રશંસા કરતાં રાજ ઠાકરેએ આગળ કહ્યું હતું કે ‘શરદ પવારની સાથે ભલે અજિત પવાર ચાલ્યા હોય, પણ તેમણે ક્યારેય જાતિઓમાં મતભેદ ઊભો કરીને રાજકારણ નથી કર્યું. તેમણે પહેલેથી જ વિકાસનું રાજકારણ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની નીતિથી આકર્ષિત થઈને જ અજિત પવાર મહાયુતિમાં સામેલ થયા છે. હું ખાતરી આપું છું કે મહાયુતિના ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં વિજયી થશે તો તેમની પાસેથી પુણેનાં અત્યાર સુધી બાકી રહેલાં કામ કરાવીશ.’