ધારાવી રીડેવલપમેન્ટ માટે રેલવેએ પોતાની ૨૭.૬ એકર જમીન ૧૦૦૦ કરોડમાં આપી

03 April, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને મળેલી આ જમીન માહિમ રેલવે સ્ટેશન પાસેના સ્ક્રૅપ યાર્ડની જમીન છે.

ધારાવી

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના પુનર્વસન માટે રેલવે લૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી પાસેથી ૨૭.૬ એકર જમીન મેળવી લેવામાં આવી છે. આ માટે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટે ૧૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. કુલ ૪૫ એકર જમીનની જરૂર છે. આ જમીન પર રેલવેના કર્મચારીઓ અને ધારાવીમાં રહેતા પુનર્વસનને પાત્ર ટેનન્ટ્સ માટે આધુનિક સુવિધાઓ સાથેની હાઉસિંગ કૉલોનીઓ અને મનોરંજનની ફૅસિલિટી બાંધવામાં આવશે.

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને મળેલી આ જમીન માહિમ રેલવે સ્ટેશન પાસેના સ્ક્રૅપ યાર્ડની જમીન છે. ધારાવીના ૬૦૦ એકર વિસ્તારમાં આશરે ૧૨ લાખ લોકો રહે છે. સુપરત કરાયેલી ૨૭.૬ એકર જમીન પૈકી ૧૫ એકર જમીન પર અતિક્રમણ કરનારા ૫૦૦૦ ટેનન્ટ્સ રહે છે. ૨૦૨૨ના નવેમ્બર મહિનામાં ધારાવીના રીડેવલપમેન્ટ માટે અદાણી ગ્રુપે ૫૦૬૯ કરોડ રૂપિયાની બિડ જીતી હતી.

કેવી હશે ટાઉનશિપ?
ધારાવીમાં બાંધવામાં આવનારી ટાઉનશિપ અને કૉમ્પ્લેક્સની ડિઝાઇન જાણીતા આર્કિટેક્ટ હફીઝ કૉન્ટ્રૅક્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. ૧૦ લાખ ચોરસફુટ જમીનમાં આ કૉમ્પ્લેક્સ તૈયાર થશે. આ કૉમ્પ્લેક્સમાં ૩૬ માળનાં ચાર બહુમાળી બિલ્ડિંગો તૈયાર થશે જેમાં ૮૨૧ ફ્લૅટ હશે. આ સિવાય સ્પોર્ટ્‍્સ કમ રેક્રીએશન ફૅસિલિટી પણ તૈયાર કરાશે.

mumbai news mumbai dharavi mahim