24 December, 2022 12:35 PM IST | Mumbai | Priti Khuman Thakur
ફાઇલ તસવીર
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં પ્રવાસીઓ એસી લોકલને બહુ પસંદ કરી રહ્યા છે. એના પ્રવાસીઓની સંખ્યામાં પણ સારોએવો વધારો થઈ રહ્યો છે. આ વધારાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં એસી લોકલ સર્વિસ પણ વધારવામાં આવી હતી. જોકે હાલમાં ઠંડીના દિવસોમાં રાતે બહાર ઠંડીનો પારો ચડી જાય છે ત્યારે એસી લોકલની અંદર પ્રવાસીઓ ધ્રૂજવા લાગે એવી ઠંડીનો અનુભવ કરે છે. એ જ રીતે ગરમી હોય અને ગિરદી હોય ત્યારે એસી લોકલમાં એસી ચાલુ છે કે નહીં એ સમજાતું નથી. આમ એસી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના આવા હાલ જોવા મળે છે. ઠંડીનું પ્રમાણ વધારવા કે ઓછું કરવા માટે એસી લોકલમાં એવી કોઈ વ્યવસ્થા નથી. જોકે મુખ્ય મુદ્દો બનેલી આ સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવે એવી શક્યતા છે.
ભાઈંદરમાં રહેતા અને મરીન લાઇન્સ આવતા એસી લોકલના પ્રવાસી અભિષેક શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં રાત્રે ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. એસી લોકલમાં બહુ ગિરદી હોય છે. વાતાવરણમાં ઠંડી હોવાને કારણે એસી લોકલમાં વધુ ઠંડી લાગી રહી છે. ઠંડીમાં વધઘટ કરવાની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી જેથી અમે મોટરમૅનને કે અન્ય સ્ટાફને જાણ કરી શકીએ. બહારનાં કામ હોય એટલે ઠંડી સામે રક્ષણ મેળવવા સ્વેટર વગેરે લાવતા નથી.’
ડોમ્બિવલીમાં રહેતા અને ભાયખલા જતા મિતેશ સાવલાએ કહ્યું હતું કે ‘સવારના અને અમુક સમયે બપોરે જ્યારે ભીડ વધુ હોય ત્યારે એસી લોકલમાં રીતસરની ગરમી અને અમુક વખતે એના કારણે સફોકેશન સુધ્ધાં થતું હોય છે, પરંતુ એસીનું પ્રમાણ એ વખતે ઓછું જ રહે છે. એસી લોકલમાં એટલા પૈસા ખર્ચીને પણ જો કોઈ સુવિધા ન મળે તો શું મતલબ છે. અમુક વખતે ટેમ્પરેચર વધુ અને અમુક વખતે ઓછું હોવાથી પ્રવાસીઓ માટે મોટી સમસ્યા સર્જાય છે.’
ટેક્નિકલ કામ ચાલુ છે
એસી લોકલના ટેમ્પરેચરની સમસ્યા વિશે પૂછતાં વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ નીરજ વર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લોકલની અંદર ભીડ હોય તો ટેમ્પરેચર હોવા છતાં ગરમીનો અનુભવ થતો હોય છે. એવી જ રીતે જ્યારે લોકલમાં ગિરદી ઓછી હોય તો એ જ ટેમ્પરેચર વધુ લાગે છે. આ સમસ્યા વિશે અમને પણ જાણ થઈ છે. એથી એના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સંબંધે ટેક્નિકલ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, જેથી પ્રવાસીઓ એસી લોકલમાં આરામદાયક પ્રવાસ કરી શકે.’